Western Times News

Gujarati News

ગુજરાત NCC ડાયરેક્ટોરેટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Ahmedabad,  કોવિડ-19 મહામારીના કારણે ગુજરાતની વિવિધ બ્લડબેંકમાં રક્તના યુનિટની અછત ઉભી થઇ હોવાના અહેવાલો છે. NCC ડાયરેક્ટોરેટ દ્વારા તેમના પ્રેરિત યુવા સ્વયંસેવકોના દળ અને નિયુક્ત સ્ટાફ (સંરક્ષણ કર્મચારીઓ અને નાગરિકો બંને) સાથે મળીને સમગ્ર જુલાઇ મહિના દરમિયાન રાજ્યમાં વિવિધ શહેરોમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 26 જુલાઇના રોજ “કારગીલ વિજય દિવસ”ની ઉજવણી નિમિત્તે પણ યોજવામાં આવ્યો છે.

વિવિધ સ્થળોએ શ્રેણીબદ્ધ રક્તદાન શિબિરોનું આયોજન કરીને આજદિન સુધીમાં 170 સ્ટાફ અને NCCકેડેટ્સે નવસારી, અમદાવાદ, વડોદરા અને ગોધરા શહેરમાં રક્તદાન કર્યું છે. ગુજરાતના અન્ય નગરોમાં પણ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવા કેડેટ્સે ફરી એક વખત આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે રક્તદાન કરીને સમાજની નિઃસ્વાર્થ સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

યુવા કેડેટ્સે તેમનું આ રક્તદાન કારગીલ યુદ્ધ વખતે રાષ્ટ્ર માટે પોતાના જીવનું બિલદાન આપનારા ભારતના વીર શહિદોને પણ સમર્પિત કર્યું છે. આ રક્તદાન કોઇપણ વિપરિત સંજોગોમાં દેશની સુરક્ષા કરવા માટે કેડેટ્સની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિક છે. આ કેડેટ્સે રક્તદાન કરીને ગુજરાતના તમામ લોકો માટે એક દૃશ્ટાંત પૂરું પાડ્યું છે અને તમામ લોકો માટે પ્રેરણાસ્રોત પૂરવાર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.