Western Times News

Gujarati News

PM મોદી 5 ઓગસ્ટ 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે, બે કલાકનો કાર્યક્રમ રહેશે

નવી દિલ્હી. રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમા સામેલ થવા માટે વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી જશે. સાકેત વિશ્વવિદ્યાલયમાં તેમનું હેલિકોપ્ટર ઉતરશે. ત્યારબાદ તેઓ રામ જન્મભૂમિ જવા રવાના થશે. નક્કી થયેલા મુહર્ત પર ભૂમિ પૂજન થશે જેનો સમય 12 વાગ્યાને 15 મિનિટનો નિર્ધારિત કરવામા આવ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી રામ મંદિરની આધારશિલા પણ રાખશે. દૂરદર્શન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામા આવશે. સમગ્ર કાર્યક્રમ બે કલાક ચાલશે તેવા રિપોર્ટ છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો સહિત 200 મહેમાનો સામેલ થશે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી હનુમાનગઢી પણ જશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે ભૂમિ પૂજનના દિવસે વિશ્વભરમાં ફેલાયેલા રામ ભક્તો અને સંત મહાત્મા જ્યાં હોય ત્યાં પૂજન કરે. શક્ય બને તો કોઇ શ્રદ્ધાળુ 5 ઓગસ્ટે સવારે 11.30 થી બપોરે 12.30 વાગ્યા સુધી નજીકના મંદિરમાં ભજન-પૂજા કરે. અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો બે કલાકનો કાર્યક્રમ હશે. ત્યાં તેઓ રામ જન્મભૂમિ અને હનુમાનગઢી જશે. તેમના બે કલાકના કાર્યક્રમમાં એક કલાકનું ભાષણ હશે. ભાષણ માટે અયોધ્યામાં અલગ અલગ સ્થળોએ સ્ક્રિન લગાવવામા આવશે . અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડ સ્પીકર લગાવવામા આવશે.

ભૂમિ પૂજન માટે જે મહેમાનોને આમંત્રિત કરવામા આવ્યા છે તેમાં 50 સાધુ સંતો, 50 અધિકારી, 50 લોકો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ન્યાસના હશે. તે સિવાય 50 દેશના ખાસ અતિથિઓને આમંત્રણ આપવામા આવ્યું છે. વડાપ્રધાન મોદી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી રૂતંભરા સામેલ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.