Western Times News

Latest News from Gujarat

કરદાતાઓને હવે ઈન્કમટેક્ષ ઓફિસ જવું નહિં પડેઃ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ 7 ઓગસ્ટથી શરૂ થશે

અમદાવાદ, પ્રધાનમંત્રીએ જ્ઞાન સંગમ 2017 દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી હતી કે, કર વહીવટીતંત્રનો ચહેરો બદલવાની જરૂર છે. તદઅનુસાર, આદરણીય નાણાં મંત્રીએ 05.07.2019ના રોજ 2019ના અંદાજપત્રનાં સંબોધન દરમિયાન ફેસલેસ એસેસમેન્ટ સ્કીમની જાહેરાત કરી હતી, જેની 12.09.2019ના રોજ CBDT દ્વારા અધિસૂચના બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ કાર્યદક્ષતા, પારદર્શકતા અને જવાબદારી લાવવા માટે  07.10.2019ના રોજ પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેનો એવો પણ ઉદ્દેશ હતો કે, કરદાતાઓ અને કરવેરા અધિકારીઓ વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક દૂર કરવામાં આવે. ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ, 2019 અંગે પ્રિન્સિપાલ ચીફ કમિશનર, ઈન્કમટેક્ષ અમદાવાદ પ્રીતમ સિંઘે  પત્રકાર પરિષદમાં આ અંગે પત્રકારોને માહિતી આપી હતી.

ફાયદા:- આનાથી કરદાતાને તેમજ આવકવેરા વિભાગને સંખ્યાબંધ ફાયદા તેમજ લાભો મળે છે. કરદારા તેના/તેણીના જવાબ ઘરે અથવા ઓફિસે બેસીને જ મોકલી શકે છે અને તેના કારણે આવકવેરા કચેરીની વારંવાર મુલાકાતોની ઝંઝટ ટળી જાય છે. આવકવેરા ઓફિસે રાહ જોવામાં તેમનો કોઇપણ પ્રકારે સમય બગડશે નહીં. વધુમાં, અભિગમમાં એકરૂપતા આવશે અને કોઇપણ પ્રકારના ઉચ્ચ આગ્રહ વગર તમામ આકારણીમાં કાયદો એકસમાન રીતે લાગુ પડશે. આકારણીઓને હેતુલક્ષી, નિષ્પક્ષ અને ન્યાયી રીતે ટૂંકા સમયમાં જ ફાઇનલ કરવામાં આવશે.

કામગીરી:- વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રાયોગિક પ્રોજેક્ટ ખૂબ જ સફળ સાબિત થયો. 8 શહેરો એટલે કે અમદાવાદ, મુંબઇ, પૂણે, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઇ, કોલકાતા અને દિલ્હીમાંથી કુલ 58319 કેસની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી આજદિન સુધીમાં 8701 કેસ કોઇપણ ઉમેરો કર્યા વગર પૂર્ણ કરવામાં આવ્યા છે અને માત્ર 296 કેસ ઉમેરા સૂચિત કરવામાં આવ્યા છે જે હાલમાં સમીક્ષા હેઠળ છે.

મૂળભૂત વિશેષતાઓ:- એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આવા તમામ કેસ પસંદ કરવામાં આવશે. તેમાં કેસોની સ્વયંચાલિત રેન્ડમ ફાળવણી માટે બદલાતું અધિકારક્ષેત્ર રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો, આવા કેસો માટેનું અધિકારક્ષેત્ર કોઇ ચોક્કસ અધિકારીને સોંપવામાં નહીં આવે, પરંતુ આકારણીની પ્રક્રિયાની જરૂરિયાત અનુસાર તબક્કાવાર તેમાં ફેરફારો ચાલુ રહેશે.

સમગ્ર દેશમાં અલગ-અલગ આકારણી અધિકારીઓને આ કેસોની રેન્ડમ (યાદચ્છિક) ધોરણે ફાળવણી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત, ચાર અલગ-અલગ એકમો એટલે કે આકારણી એકમ, ટેકનિકલ એકમ, ચકાસણી એકમ અને સમીક્ષા એકમ દ્વારા ચોક્કસ આકારણી પૂરી કરવામાં આવશે.

આકારણી એકમ વિવિધ પ્રશ્નો ઓળખશે, માહિતી શોધશે અને આકારણી આદેશોનું પ્રારૂપ તૈયાર કરવા માટે સામગ્રીનું વિશ્લેષણ કરશે, ચકાસણી એકમ પૂરપરછ કરશે, ખાતાવહીઓનું નિરીક્ષણ કરશે, સાક્ષીઓનું નિરીક્ષણ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નિવેદનોની નોંધ લેશે, ટેકનિકલ એકમ કાયદાકીય, એકાઉન્ટિંગ, ફોરોન્સિક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મૂલ્યાંકન, ટ્રાન્સફર કિંમત અને ડેટા વિશ્લેષણ વિશે સલાહ આપશે

અને સમીક્ષા એકમ આકારણી એકમ દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ પ્રારૂપ આદેશોની સમીક્ષા કરશે એટલે કે, સામગ્રીના પૂરાવાની નોંધ લેવામાં આવી છે કે નહીં, તથ્યો અને કાયદાના મુદ્દા સમાવવામાં આવ્યા છે કે નહીં, ન્યાયિક નિર્ણયોના અમલને ધ્યાનમાં લેવામાં આવ્યા છે કે નહીં તેમજ આકારણીના આદેશમાં ગણતરીના ભાગમાં આંકડાકીય સુધારા થયા છે કે નહીં તેની તપાસ કરશે.

NeAC દ્વારા આકારણી એકમો, ચકાસણી એકમો અને ટેકનિકલ એકમોને સ્વયંચાલિત ફાળવણી તંત્ર દ્વારા કેસોની ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ તેમાં સમીક્ષા માટે પ્રારૂપ આદેશો પસંદ કરવામાં આવશે અને તેને સ્વયંચાલિત ફાળવણી તંત્ર દ્વારા સમીક્ષા માટે ફાળવણી એકમને ફાળવવામાં આવશે. NeAC દ્વારા આદેશને ફાઇનલ કરતા પહેલાં સંબંધિત કરદાતાને પણ તક આપવામાં આવશે. આકારણી આદેશ ફાઇનલ થઇ ગયા પછી, તમામ ઇલેક્ટ્રોનિક નોંધ આકારણી પછીની કામગીરી જેમ કે, માંગની રિકવરી અને દંડની વસુલાત વગેરે માટે અધિકારક્ષેત્રમાં AOને ટ્રાન્સફર કરવામાં આવશે.

પ્રક્રિયા:- કેસોની સ્વયંચાલિત પસંદગી પછી, કેસની પસંદગી માટેની નોટિસ AOની ઓળખ જાહેર કર્યા વગર કેન્દ્રીય સેલ દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઇશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ જવાબો પણ ડિજિટલ માધ્યમથી એટલે કે, ઇમેલ દ્વારા અથવા ઇ-ફાઇલિંગ વેબસાઇટ દ્વારા આપવાના રહેશે.

કરદાતા સાથે કોઇપણ પ્રકારે પ્રત્યક્ષ વાર્તાલાપના હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં અને તેને/તેણીને આવકવેરાની કચેરીએ રૂબરૂ આવવાની જરૂર પડશે નહીં. આવી તમામ આકારણીઓ ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર ટીમ આધારિત આકારણી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, આકારણીનું પ્રારૂપ એક શહેરમાં બને, સમીક્ષા બીજા શહેરમાં થાય અને ત્રીજા શહેરમાં તેને ફાઇનલ કરવામાં આવે તેવું પણ બની શકે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers