Western Times News

Gujarati News

રક્ષાબંધનના દિવસે જ સાતેક દિવસની તરછોડાયેલી બાળકી મળી

અમદાવાદ: જુની અનેક એવી હિન્દી ફિલ્મો હતી જેમાં બાળકને તરછોડવામાં આવતું હોવાની કહાની બતાવવામાં આવતી હતી. તે તરછોડાયેલું બાળક તેના જીવનમાં જાતે જ પાપા પગલી ભરી સફળતા મેળવતુ આવુ તો અનેક ફિલ્મોની કહાનીમાં જોવા મળ્યું છે. આવી અનેક ફિલ્મ તો આવી હશે પણ આવી જ એક બાળકીની કહાની સામે આવી છે.

માત્ર સાત દિવસની બાળકીને રક્ષાબંધનના દિવસે જ કોઈ વ્યક્તિ તરછોડી ફરાર થઈ ગયું. અમદાવાદમાં બાળકને તરછોડવાની ઘટનામાં બાળક રોડ પરથી કે કચરાપેટી પાસેથી મળતું આવે છે. પણ આ કિસ્સામાં બાળકીને એક આશ્રમ બહાર બાંધેલા પારણામાં તરછોડવામાં આવી હતી. બાળકીનો વહેલી સવારે રડવાનો અવાજ અને પગ પછાડવાનો અવાજ આવ્યોને ગૃહમાતાને જાણ થતા પોલીસને જાણ કરાઈ અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાયપુર દરવાજા પાસે મહિપતરામ રૂપરામ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં અનિતા બહેન પરમાર ૨૮ વર્ષથી નિવાસી ગૃહમાતા તરીકે ફરજ બજાવે છે. નિરાધાર કે તરછોડેલા બાળકોની સારસંભાળ આ આશ્રમમાં કરવામાં આવે છે. અને કોઈ વ્યક્તિ રોડ પર કે કચરાપેટીમાં બાળક તરછોડી ન દે તે માટે આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે. આ પારણામાં કોઈ નિરાધાર બાળકો મૂકી જાય તો તેને આ આશ્રમ દ્વારા પાલન કરવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે દુધવાળો અને રસોઈયો સવારે આવ્યા હતા. દૂધ લેવા અનિતા બહેન આવ્યા ત્યારે પારણું હલતું હતું. તેમાં પગ પછાડવાનો અને રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. જેથી તેઓએ જઈને જોયું તો તેમાં એક માસૂમ નાની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકી આશરે સાતેક દિવસની જ હશે અને તેનું વજન પણ ૨ કિ. ગ્રા. જેટલું હતું.

બાળકીને આશ્રમમાં લઈ જઈ તુરંત જ કાગડાપીઠ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ મામલે આઇપીસી ૩૧૭ મુજબ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરી બાળકીને તરછોડી દેનારને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.