Western Times News

Gujarati News

15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી વન નેશન વન હેલ્થ કાર્ડ લાવવાની જાહેરાત કરી શકે

નવી દિલ્હી, વન નેશન વન રેશન કાર્ડ બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના પણ લાગુ કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે 15મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી શકે છે. હકીકતે સરકાર તમામ દેશવાસીઓનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ કરવાની તૈયારી કરી રહી છે અને તેના અંતર્ગત જ આ યોજના લાગુ કરવામાં આવી રહી છે.

આ યોજનામાં દેશના પ્રત્યેક નાગરિકની અત્યાર સુધીમાં જે ટ્રીટમેન્ટ થઈ હોય અને ભવિષ્યમાં તેની જે પણ સારવાર થાય તેની જાણકારી રાખવામાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે દેશની કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર પાસે જ્યારે સારવાર કરાવવા જશો ત્યારે તમારે તમામ કાગળો અને ટેસ્ટ રિપોર્ટ વગેરે લઈને નહીં ફરવું પડે. માત્ર એક યુનિક આઈડીની મદદથી જ ડોક્ટર તમારો સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ જાણી શકશે.

આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે તમામ હોસ્પિટલ, ક્લિનિક વગેરેને એક સેન્ટ્રલ સર્વર સાથે લિન્ક કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર રીતે યોજનાને લાગુ કરવામાં આવશે. જો કે સરકારે હજુ સુધી આ યોજનાને લોકોની મરજી પર છોડી છે કે તેઓ તેનો લાભ લેવા ઈચ્છે છે કે નહીં. સરકારે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, આધાર કાર્ડના આધાર પર હેલ્થ કાર્ડ બનાવવા ભલામણ કરવામાં આવશે પરંતુ તેના માટે લોકોને ફરજ નહીં પડાય. આ યોજનામાં જોડાવું કે નહીં તે સંપૂર્ણપણે લોકોની મરજી પર નિર્ભર કરશે.

સરકારે આ યોજનાના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. સરકારે જણાવ્યું કે, આ યોજનાના માધ્યમથી દેશનું સ્વાસ્થ્ય વાતાવરણ બદલવા પ્રયત્ન થઈ રહ્યો છે. ઉપરાંત લોકોની વ્યક્તિગત જાણકારી સુરક્ષિત અને ખાનગી રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ ભવિષ્યમાં આ યોજનાનું ક્ષેત્ર ખૂબ વ્યાપક બની જશે. ડોક્ટર, ક્લીનિક, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી કંપની બધા જ આ યોજના દ્વારા સર્વરથી કનેક્ટેડ રહેશે. તેમાં ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. ડોક્ટર કે હોસ્પિટલનો સ્ટાફ કોઈ વ્યક્તિની મંજૂરી બાદ જ તેની હેલ્થ પ્રોફાઈલ જોઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.