Western Times News

Gujarati News

સતત મેઘવર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ: બુધવારથી સતત ખાબકી રહેલા વરસાદને પગલે ગુરુવારે મહત્તમ તાપમાન ઘટીને ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગુરુવારે સાંજે પૂરા થયેલા ૩૬ કલાકમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ દિવસ દરમિયાન સરખેજ વિસ્તારમાં સૌથી વધુ ૪૦ મીમી જ્યારે વટવામાં ૩૨ મીમી વરસાદ વરસ્યો હતો. એએમસી કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે શહેરમાં અત્યાર સુધીનો સીઝનનો ૫૪૮ મીમી એટલે કે ૨૧.૫૭ ઇંચ વરસાદ નોંધાયો છે.

શહેરમાં ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલથી અમદાવાદીઓ ઠંડકભર્યા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. ગુરુવારે શહેરમાં પશ્ચિમ ઝોનના ત્રણ વિસ્તારોમાંથી જ્યારે દક્ષિણ ઝોનમાંથી પાણી ભરાયા હોવાની બે ફરિયાદો મળી હતી. તેમજ મણિનગરમાં પણ વૃક્ષ ધરાશાયી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રત્નદીપ કોમ્પ્લેક્સ, વિરાટનગરના નાગરવેલ હનુમાન અને જગદીશ પાર્કમાંથી ૩ જગ્યાએ ભૂવા પડવા અને રોડ બેસવાની ફરિયાદો નોંધાઈ હતી. આઇએમડી અધિકારીઓએ શુક્રવારે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ અને અમુક સમયે ભારે વરસાદની આગાહી કરી છે. આઇએમડી અધિકારીઓએ જણાવ્યું હતું કે મહત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી હતું

જે સામાન્ય કરતા ૩.૬ ડિગ્રી નીચે હતું, જ્યારે રાત્રિનું તાપમાન ૨૫.૪ ડિગ્રી હતું જે સામાન્ય કરતા ૦.૩ ડિગ્રી વધારે હતું. આઇએમડી અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ગુરુવાર સુધીમાં ૪૧૮ મીમી વરસાદ પડવો જોઈતો હતો પરંતુ તેની સામે ૩૫૮ મીમી વરસાદ પડ્યો છે જે હજુ ૧૪ ટકાની ઘટ દર્શાવે છે. રાજ્યમાં ગુરુવાર સુધીમાં ૪૫૭ મીમી જેટલો સામાન્ય વરસાદ પડવો જોઈતો હતો, જેની સામે ખરેખર ૫૨૪ મીમી વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતા ૧૫% વધુ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.