Western Times News

Gujarati News

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફળ-પાકનો વાવેતર વિસ્તાર ૧૮,૪૧૪ હેક્ટર જેટલો વધ્યો

રાજ્યમાં ત્રણ વર્ષમાં ફળનું ઉત્પાદન ૨,૫૬,૯૩૮ મેટ્રિક ટન વધ્યું :  રાજ્યમાં ફળ-પાકના વાવેતર વિસ્તારમાં કચ્છ મોખરે,નવસારી બીજા ક્રમે

ગુજરાતમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી ફળ-પાક તરફ વળતા જાય છે. બાગાયત વિભાગના આંકડાઓ આ વાત પુરવાર કરે છે. બાગાયત વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફળ-પાકનો વાવેતર વિસ્તાર ૧૮,૪૧૪ હેક્ટર જેટલો વધ્યો છે, જ્યારે ઉત્પાદનમાં ૨,૫૬,૯૩૮ મેટ્રીક ટનનો વધારો થયો છે. રાજ્યમાં ૨૦૧૭-૧૮માં ફળપાકનો વાવેતર વિસ્તાર ૪,૨૮,૦૨૬ હતો, તે વધીને ૨૦૧૯-૨૦માં ૪,૪૬,૪૪૦ હેક્ટરે પહોંચ્યો છે. તે જ રીતે ફળ-પાકનું ઉત્પાદન ૨૦૧૭-૧૮માં ૯૦,૦૪,૧૨૮ મેટ્રીક ટન હતુ,

તે ૨૦૧૯-૨૦માં વધીને ૯૨,૬૧,૦૬૬ મેટ્રીક ટને પહોંચ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં ફળ-પાકના વાવેતર વિસ્તારમાં કચ્છ જિલ્લો મોખરે છે. નવસારી અને વલસાડ બીજા અને ત્રીજા નંબરે છે. ૨૦૧૯-૨૦માં કચ્છ જિલ્લામાં ૫૬,૭૬૧ હેક્ટરમાં ફળ-પાકનું વાવેતર થયું છે, જ્યારે નવસારી જિલ્લામાં ૪૫,૭૬૪ હેક્ટરમાં અને વલસાડ જિલ્લામાં ૪૪,૩૫૦ હેક્ટરમાં ફળ-પાકનું વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ જિલ્લાઓમાં વાવેતર વિસ્તારમાં અનુક્રમે ૬,૧૦૭ હેક્ટર, ૮૯૦ હેક્ટર અને ૯૬૩ હેક્ટરની વૃદ્ધી નોંધાઈ છે.

ઉત્પાદનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ફળનું ઉત્પાદન ભરુચ જિલ્લામાં થયું છે. ભરુચ જિલ્લામાં ફળ-પાકનું ઉત્પાદન ૯,૯૫,૨૯૨ મેટ્રીક ટન, આણંદમાં ૯,૭૨,૬૦૩ મેટ્રીક ટન અને કચ્છ જિલ્લામાં ૯,૪૯,૧૧૫ મેટ્રીક ટન ઉત્પાદન થયું છે.  પણ ફળ-પાકમાં ઉત્પાદકતાની દ્રષ્ટીએ ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાનું પ્રદર્શન સારુ રહ્યું છે. ફળ-પાકમાં રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદકતા ભરુચ જિલ્લાની ૫૩.૯૪ ટકા, નર્મદા જિલ્લાની ૫૨.૧૪ ટકા અને છોટા ઉદેપુર જિલ્લાની ૪૮.૧૮ ટકા જેટલી છે.  (સ્ત્રોત- બાગાયત નિયામકની કચેરી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.