Western Times News

Gujarati News

ઠાસરા નગરપાલિકાની દૂષિત પાણીની ગટરો ઉભરાતા શહેરીજનો ત્રાહિમામ

મોહસીન વહોરા, સેવાલીયા  ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વડુંમથક ઠાસરા ખાતે આવેલ સુવિખ્યાત આશાપુરી મંદિર પાછળ આવેલ ગંદા પાણીના નિકાલ માટેની ગટરો છેલ્લા કેટલાક સમયથી બ્લોક થઈ છે. અને દૂષિત પાણી ઉભરાતા દુર્ગંધ મારે છે. જેને લઈને વાંરવાર રજુઆત કરવામાં આવવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. અને આ પ્રશ્નની રજુઆત ઇન્દિરાબેન. પી.પરમાર અને સંગીતાબેન. એસ પરમાર (નગરપાલિકા સભ્ય) દ્વારા લેખિતમાં નગરપાલિકા ઠાસરા ખાતે કરવામાં આવી છે. લેખિતમાં જણાવ્યું કે નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી

તેમ છતાં ગટરો ઉભરાઈ છે. તેવા વિષય સાથે નગરપાલિકા ચીફઓફિસરને લેખિત  કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન વિસ્તાર મેઈન રોડ ઉપર આવેલ ગટરની ચેમ્બર સાફ કરવામાં આવી નથી. જેને લઈને ક્રિષ્ના ટાઉન શીપમાં ગટરનું પાણી ઉભરાય છે.અને સોસાયટીના રહીશોને ગંદા દુર્ગંધયુક્ત પાણીનો સામનો કરવો પડે છે.અને તેજ રીતે પુષ્પજલી પાસે પણ ગટરો ઉભરાય છે. જેને યોગ્ય એજન્સીને કામગીરી સોંપવામાં આવે અને નગરપાલિકા સભ્યનો અભિપ્રાય જરુર લેવા વિનંતી કરવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિ જૈસે થે છે. જેને લઈને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

હાલ એક તરફ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ અને બીજી તરફ રોગચાળાની સિઝન ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે બીજી તરફ ભૂગર્ભ ગટરની સફાઈ માટેનું મશીન બગડી ગયું હોવાનું પણ જાગ્રત નાગરિકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે નગરપાલિકામાં ભંડોળ હોવા છતાં આ મશીનનું રીપેરીંગ નહીં કરાવાતા નગર  પાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે આવકાર્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.