Western Times News

Latest News from Gujarat India

થીંગડા મારી આભ ઢાંકવા પ્રયાસ

File

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેર ફરી એક વખત “ખાડામય” બની ગયુ છે. દર વર્ષની માફક ચાલુ વરસે પણ રોડ પરના મેકઅપ ઉતરી ગયા છે તથા નાગરીકો “ડીસ્કો” રોડ પર વાહન ચલાવવા મજબુર બન્યા છે. શહેરના ખાડા મામલે ઉહાપોહ થતા વહીવટીતંત્ર અને સત્તાધીશો સફાળા જાગ્યા છે તથા ખાડા પુરવા માટે દોડધામ કરી રહયા છે. નિષ્ણાંતો આ પ્રયાસને “થીગડા મારીને આભ ઢાંકવા” જેવો ગણાવી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે રોડ તુટવા મામલે અધિકારીઓ તો ઠીક સત્તાધીશો પણ જવાબદારી લેવા તૈયાર નથી તથા તેમના પુરોગામીના કાર્યકાળ દરમ્યાન બનેલા રોડ જ તૂટી રહયા હોવાનો જાહેરમાં ખુલાસો કરી રહયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક વખત ર૦૧૭નું પુનરાવર્તન થઈ રહયું ે. ર૦૧૭માં ૧૩૦ જેટલા રોડ નામશેષ થયા હતા ચાલુ સીઝનમાં પણ પ૦ કિલોમીટરના રોડ તૂટી ગયા છે. મ્યુનિ. ઈજનેર વિભાગના મંતવ્ય મુજબ ૯૪૦૦ જેટલા ખાડા પડયા છે. જે પૈકી આઠ હજાર કરતા વધુ ખાડાઓના “ઓપરેશન” થઈ ગયા છે તેથી એમ માની શકાય કે ચાલુ સપ્તાહના અંતે શહેર “ખાડા મુક્ત” થઈ જશે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં પણ “ખાડા મુક્તિ” અમદાવાદ માટે અભય વચન આપવામાં આવ્યુ હતું. મ્યુનિ. કમિશ્નરની બદલી થતા ડ્રાફટ બજેટની પ્રાયોરીટીમાં પણ ફેરફાર થયા છે અન્યથા એ જ હોદ્દેદારો અને અધિકારીઓ છે પરંતુ વિજય નેહરાની બદલી થતા જ “ખાડા મુક્ત”ના બદલે “ખાડા યુક્ત” અમદાવાદ બની ગયુ છે. શહેરમાં જે સ્થળોએ ફલાય ઓવર તથા મેટ્રોના કામ ચાલી રહયા છે તે સ્થળની પરિસ્થિતિ અત્યંત બદ્‌તર છે. શહેરના અનેક વિસ્તારોમાં તો એક ફુટ જેટલો સીધો રોડ મળવો મુશ્કેલ છે તથા “ખાડા”ની વચ્ચે “ટાપુ”ની માફક ચાર-પાંચ ઈંચનો રસ્તો જાેવા મળે છે.

શહેરીજનો “ડીસ્કો રોડ” પર વાહન ચલાવી રહયા છે. તેવા સંજાેગોમાં પણ મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભવો સ્વ- બચાવના નિવેદન કરી રહયા છે. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે ત્રણ વર્ષ પહેલા બનેલા રોડ તૂટ્યા હોવાનો દાવો કરીને તેમના પુરોગામીઓ દોષિત હોવાનું પરોક્ષ રીતે જણાવ્યુ છે. મ્યુનિ. સીટી ઈજનેર હીતેશભાઈ કોન્ટ્રાકટરે પણ આ બાબતને જ દોહરાવી છે. તેમના જણાવ્યા મુજબ ડીરેકટ લાયેબીલીટી પીરીયડના કોઈ જ રોડ તૂટ્યા નથી. તેમજ મેટ્રો અને ફલાયઓવરના કારણે ખાડા પડી ગયા છે. મેટ્રોલના કારણે સાબરમતીથી જનપથ હોટેલ, એપીએમસીથી વેજલપુર, વસ્ત્રાલ રીંગ રોડ તેમજ હેલ્મેટ સર્કલથી થલતેજ સુધીના રોડ તૂટ્યા છે. આ તમામ રોડ રીપેર કરવા મેટ્રો કંપનીને તાકીદ કરવામાં આવી છે. જયારે એસ.પી. રીંગ રોડ પર સનાથલ સર્કલ, દહેગામ ચોકડી, ચિલોડા, રાયસણ, ઓઢવ જંકશન પર ફલાય ઓવરના કામ ચાલે છે. આ તમામ સ્થળે ઔડાની દેખરેખ હેઠળ કામ થઈ રહયા છે તેથી હયાત સર્વિસ રોડ રીપેર કરવા ઔડાના જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ર૭ ઓગસ્ટે ૮૦૦ ખાડા પુરવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે ઈજનેર વિભાગ દ્વારા રપ ઓગસ્ટે ૯૪૭૧ ખાડા પૈકી ૭ર૦૦ ખાડા પુરવામાં આવ્યા હોવાની જાહેરાત થઈ હતી. ર૭ ઓગસ્ટે વધુ ૮૦૦ ખાડા પુરવામાં આવ્યા હોય તો બાકી ૧૪૦૦ ખાડાનો બે-ત્રણ દિવસમાં નિકાલ થઈ શકે છે તેથી સપ્તાહના અંત સુધી અમદાવાદ “ખાડા મુકત” થઈ જશે તેમ મનાી શકાય છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ મ્યુનિ. અધિકારીઓ તો ઠીક પરંતુ હોદ્દેદારો પણ સ્વ બચાવના પ્રયત્ન કરે તે અત્યંત શરમજનક બાબત છે. મ્યુનિ. હોદ્દેદારો ત્રણ વર્ષ પહેલા ના રોડ તૂટ્યા હોવાના દાવા કરે છે. મતલબ કે ર૦૧પ અને ર૦૧૬માં તૈયાર થયેલા રોડ તૂટ્યા હોઈ શકે છે તો પછી ર૦૧૭માં ક્યા રોડ તૂટયા હતા ? ર૦૧૭માં તૂટેલા રોડની મરામત ર૦૧૯ સુધી થઈ નથી ! ત્રણ વર્ષ પહેલા તૈયાર થયેલા રોડ તો ર૦૧૭માં તૂટી ગયા હતા. જે મામલે હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી થઈ હતી તેમજ ઈજનેર અધિકારીઓ સામે કાર્યવાહી પણ ચાલી રહી છે તેથી સ્ટેન્ડીંગ ચેરમેને ચાલુ સીઝનમાં તૂટેલા રોડના સરનામા તૈયાર થયેલ વર્ષ, કોન્ટ્રાકટરના નામ અને ખર્ચની વિગતો સાર્વજનિક કરવી જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers