Western Times News

Gujarati News

શહેરના રોડ કયારે સારા થશે? : કરદાતા માંગે જવાબ

Files Photo

મ્યુનિસિપલ સત્તાધીશો તૂટેલા રોડ મામલે શ્વેતપત્ર જાહેર કરે : કોંગ્રેસ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:અમદાવાદ શહેરના ડિસ્કો રોડ મામલે મ્યુનિસિપલ સત્તાધીશો ઢાંકપીછોડો કરી ને ભ્રષ્ટાચાર ને ઉત્તેજન આપી રહ્યા છે. તેમજ સારા રોડ મામલે પ્રજા ને આપેલા વચન ભૂલી ગયા છે. શહેર ના 80 લાખ નાગરિકો અને 21 લાખ કરદાતા રોડ રસ્તા મામલે સત્તાધીશો પાસે જવાબ માંગી રહયા છે. પરંતુ મેયર છેલ્લા પાંચ મહિનાથી દાણાપીઠ કાર્યાલય આવતા નથી તેમજ 50 માણસો ની મર્યાદામાં માસિક સામાન્ય સભા પણ બોલાવતા નથી. ભાજપના હોદ્દેદારો પ્રજાકીય પ્રશ્ર્નો ની ચર્ચા કરતા ડરી રહ્યા છે.તેથીરોડ રસ્તા મામલે સાચી હકીકત બહાર આવતા નથી. શહેરના તમામ રોડ ખાડાયુકત બની ગયા છે.તેથી સત્તાધીશો રોડ મામલે શ્વેતપત્ર જાહેર કરે તેવી માંગણી મ્યુનિસિપલ કૉંગ્રેસે કરી છે.


 મ્યુનિસિપલ વિપક્ષી નેતા દિનેશ  શર્માએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ચોમાસામાં આખું અમદાવાદ ખાડામય બની ગયું છે.2017માં રોડ તૂટવાનું કૌભાંડ થયું હતું. કરોડો રૂપિયાના રોડ ધોવાયા હતા પછી ડુપ્લીકેટ બીલથી ડામર ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું. શહેરમાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયા છે છતાં આ પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવાને બદલે ભાજપના શાસકો દૂર ભાગી રહ્યા છે. પ્રજાની મુશ્કેલીની વાચા આપવા માટે અમે સમાંતર બોર્ડ બોલાવ્યું હતું. આ બોર્ડની બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે, ત્રણ વર્ષમાં બનેલા એકપણ રોડ તૂટ્યા નથી. હું તેમને ચેલેન્જ આપું છું કે, તેમની હિંમત હોય તો છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા તમામ રોડ અને રોડ રીસરફેસના કામોની વિગતો જાહેર કરે અને આપણે સાથે સ્થળ ઉપર જઈએ કે, કયો રોડ તૂટ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા કેટલાય રોડ તૂટ્યા છે પણ મળતીયા કોન્ટ્રાકટરને બચાવવા માટે આ પ્રકારના નિવેદનો સત્તાધીશો આપી રહ્યાં છે.દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોના ભ્રષ્ટાચારના ખાડાઓ રોડ ઉપર દેખાવા લાગ્યા છે. છેલ્લા ચાર વર્ષથી સતત રોડ તૂટવાની અને રોડમાં ખાડા પડવાની પરંપરા ભાજપના શાસકોએ જાળવી રાખી છે. ત્રણ વર્ષ પહેલાં શહેરમાં રોડ ધોવાણનું કૌભાંડ થયું હતું પછી બીટયૂમીન ચોરી અને ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું પછી દર વર્ષે રોડ તૂટી રહ્યા છે અને ભાજપના સત્તાધીશો એક જ બહાનું કરે છે કે, નવા રોડ તૂટ્યા નથી. જુના રોડ તૂટી રહ્યા છે.

આ દલીલ માત્ર મળતિયા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે આપવામાં આવે છે.2017માં જ્યારે રોડ તૂટ્યા ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અમલદારોએ અમદાવાદની 65 લાખ વસ્તીને વાયદો કર્યો હતો કે, હવે દરેક રોડ બનશે તેની આગળ એક બોર્ડ મુકાશે, જેમાં રોડનો ખર્ચ અને તેનો ગેરંટી પિરિયડ લખાશે તેમજ દરેક રોડનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાશે.જોકે, આ બે વાયદામાંથી એકપણ વાયદો પૂરો કરાયો નથી. જો આ વાયદા પુરા કરાય તો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય તેમ છે. જો હાલમાં અમદાવાદના રોડનો સર્વે કરાવવામાં આવે તો એકપણ એવો રોડ નથી જેમાં ખાડો પડ્યો ન હોય કે પછી ધોવાયો ન હોય.અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં 90 ટકા રોડના કામો સિંગલ ટેન્ડરથી મજૂર કરાયા છે.

તમામ રોડના કામો 25થી 30 ટકા ઉંચા ભાવે મંજુર કરાયાં છે. અમદાવાદ મ્યુનિ.એ 100 કરોડના રોડના કામો ઉપર 30 કરોડ વધુ રકમ ચૂકવી છે તો 400 કરોડના કામોમાં 120 કરોડની વધારે રકમ ચૂકવી છે એટલે કે, 400 કરોડના રોડના કામોના ખર્ચનો અંદાજ હતો જેની સામે 120 કરોડ વધારે ભાવથી કામો અપાયા છે છતાં શું સ્થિતિ છે મોટાભાગના રોડ તૂટી ગયા છે.હવે, મેટ્રો રેલ, ઔડા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઉપર રોડ તૂટ્યાનો દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે પણ મેટ્રો રેલ પણ ભાજપની સરકારનો પ્રોજેક્ટ છે તો નેશનલ હાઇવે ઓથોરિટી પણ ભાજપની કેન્દ્ર સરકારની ઓથોરિટી છે. અમદાવાદ મ્યુનિ.ભાજપના શાસકો રોડ મુદ્દે તો અમદાવાદના તમામ નાગરિકોની માફી માગવી જોઈએ અને તમારી નિસફળતા માટે મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને તો પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ.


અમદાવાદના નાગરિકો દર વર્ષે 1000 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ સહિતના અન્ય ટેક્સ ભરે છે પણ અમદાવાદના નાગરિકોને છેલ્લા ચાર વર્ષથી સારા રોડ મળી રહ્યા નથી. અમદાવાદમાં એક પણ રોડ એવો નથી જેમાં થિંગડું મારેલું ન હોય. તમામ રોડ થિંગડા મારેલા છે અથવા તો ડિસ્કો રોડ છે.

રોડના લીધે આખા દેશમાં અમદાવાદની છબી ખરડાઈ છે. ગુજરાત ખરાબ રોડ મુદ્દે દેશમાં 6 નંબર ઉપર પહોંચી ગયું છે. જેમાં સૌથી મોટો હાથ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોનો છે.આશ્રમ રોડ, ડ્રાઇવ ઇન રોડ, આનંદનગર રોડ કે પછી 132 ફૂટનો રિંગ રોડ કે પછી અન્ય રાજમાર્ગ અમદાવાદની શાન હતા. આ રોડમાં ક્યારેય ગાબડાં પડતા ન હતા પણ છેલ્લા ચાર વર્ષમાં આ રોડ તો ગાબડાં રોડ તરીકે ખ્યાતિ પામી ચુક્યા છે.હવે તો માં બાપ પણ છોકરો નોકરીએ જાય તો ચિંતા કરે છે અને સલાહ આપે છે,

બેટા, રોડના ખાડાથી બચીને મોટર સાયકલ ચલાવજે. કેમ કે, રોજ કેટલાય નાગરિકો રોડના ખાડાથી અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદના રોડમાં ખાડા નથી પણ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ રોડ તૂટવાના મુદ્દે તો ભાજપના શાસકોએ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ તેવી સ્થિતિ છે. આ મુદ્દે તાકીદે તમામ રોડનો સર્વે કરવો જોઈએ. કયો રોડ ક્યારે બન્યો અને તેનો ગેરંટી પિરિયડ કેટલો હતો અને વર્ષમાં કેટલીવાર તૂટ્યો ? આ તમામ બાબતો સાથે રોડ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ તેવી અમારી માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.