Western Times News

Gujarati News

મ્યુનિ. સ્કુલ બોર્ડના ૧૯પપ કોરોના વોરીયર્સને માનદ્‌ વેતન આપવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. એપ્રિલ અને મે મહીનામાં મ્યુનિ. શાળાના શિક્ષકોએ ઘરે ઘરે જઈને જનજાગૃતિ લાવવા માટે પેમ્ફલેટ વિતરણ, સરવે સહીતના કામ કર્યા હતા જે દરમ્યાન પાંચ જેટલા શિક્ષકોના મૃત્યુ પણ થયા હતા. મ્યુનિ. સ્કુલબોર્ડ દ્વારા શિક્ષકોના કામની કદર કરવામાં આવી છે તથા તેમને માનદ્‌ વેતન પેટે ખાસ ભથ્થા આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં લઈ મ્યુનિ. શાળાના શિક્ષકોને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. મ્યુનિ. શાળાના શિક્ષકોએ તેમના જીવની પરવા કર્યા વિના રેડઝોન વિસ્તારોમાં જઈને પણ કામ કર્યા હતા. જેમાં જનજાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ, કવોરેન્ટાઈન તથા હોમ આઈસોલેશન માટે કન્ટ્રોલ રૂમની કામગીરી, ખાનગી હોસ્પિટલોમાં રીેસેપ્શનનું કામ, સરવેનું કામ, ઉકાળા વિતરણ, ટેલીફોન દ્વારા દર્દી અને ડોકટરો વચ્ચે સેતુ બનાવવાની કામગીરી, સરકારી દુકાનોમાં અનાજ વિતરણ વ્યવસ્થાના કામ સહીત અનેક પ્રકારના કામ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોરોના દરમ્યાન કામગીરી કરનાર અધિકારીઓ, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને દૈનિક રૂા.૧પ૦ લેખે માનદ્‌ વેતન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે પેટે અંદાજે રૂા.પ૪ લાખની રકમ ચુકવવામાં આવશે.

મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા ૧ જુનથી ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવનાર, ર જુલાઈથી ડોર ટુ ડોર સરવેની કામગીરી કરનાર, ૬ જુલાઈથી સરવેના ક્રોસ ચેકીંગ કરવા માટે તેમજ ૧પ જુલાઈથી કમાન્ડ- કંટ્રોલ સેન્ટર પર ફરજ બજાવનાર કર્મચારીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જેના આધારે ૩૧ જુલાઈ સુધી કામ કરનાર કર્મચારીઓને પ્રતિદિન રૂા.૧પ૦ લેખે ભથ્થાની રકમ આપવામાં આવી છે. જે રકમ ડાયરેકટ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પોતાની જીંદગી હોડમાં મુકનાર સ્કુલબોર્ડ કર્મચારીઓને માનદ્‌ વેતન પેટે રૂા.પ૪.૪૦ લાખ ચુકવવામાં આવ્યા છે. સદ્‌ર રકમ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્કુલ બોર્ડને આપવામાં આવશે. હાલ, સ્કુલબોર્ડના બજેટમાં પગાર-પેન્શન પેટે ફાળવવામાં આવેલ રૂા.ર૭પ કરોડમાંથી માનદ્‌ વેતન ચુકવવામાં આવ્યુ છે. મ્યુનિ. સ્કુલ બોર્ડના કર્મચારીઓ હાલ પણ કોરોના કામગીરી કરી રહયા છે તેથી માનદ્‌ વેતનની રકમમાં વધારો થઈ શકે છે. મ્યુનિ. સ્કુલબોર્ડના ઉતરઝોનમાં ફરજ બજાવતા ૩૪૮, દક્ષિણ ઝોનના ૪પ૧, પૂર્વ ઝોનના ૧૯૬, પશ્ચિમ ઝોનના ૩૦૬, મધ્યઝોનના ર૯૬, હિન્દી ઝોનના ૧૬૮ તથા ઉર્દુ ઝોનના ૧૯૦ મળી કુલ ૧૯પપ કર્મચારીઓને માનદ્‌ વેતન ચુકવવામાં આવ્યુ છે.

મ્યુનિ. કમિશ્નરે આરોગ્ય સેતુ અપલોડ કરાવવા બદલ પણ માનદ્‌ વેતન આપવા માટે સુચના આપી છે તે રકમ પણ નજીકના ભવિષ્યમાં ચુકવવામાં આવશે. મ્યુનિ. સ્કુલ બોર્ડના કર્મચારીઓને પ્રતિદિન પ્રથમ ર૦ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવવા બદલ એપ્લીકેશન દીઠ રૂા.પાંચ લેખે આપવામાં આવશે. તેમજ પ્રતિદિન ર૦ એપ્લીકેશન ઉપરાંત વધુ એપ્લીકેશન ડાઉનલોડ કરાવવા બદલ પ્રતિ એપ્લીકેશન રૂા.દસ લેખે ચુકવવામાં આવશે. મ્યુનિ. શિક્ષકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરેલ વ્યક્તિનું નામ, કોન્ટેક નંબર, તારીખ સહીતની વિગત બીટ સુપરવાઈઝરને આપવાની રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.