Western Times News

Gujarati News

૧૦ માસમાં ITI મારફતે ૨.૬૩ લાખ લર્નર્સ લાયસન્સ જારી કરાયાં

રાજ્ય સરકારે ગયા વર્ષે ઓકટોબરમાં પસંદગીની ૨૨૧ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટસને લાયસન્સ ઈસ્યુ કરવાની સત્તા આપી હતી. હવે તેમાં વધુ ૧૯નો ઉમેરો કરવામાં આવ્યો છે. આમાંથી ૫ આઈટીઆઈ માત્ર મહિલાઓને લાયસન્સ આપવાની કામગીરી કરશે

ગાંધીનગર તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ઃ ગુજરાતમાં પસંદગીની આઈટીઆઈ મારફતે લર્નર્સ લાયસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ તેના માત્ર ૧૦ માસથી થોડા વધુ સમયમાં ૨.૬૩ લાખથી વધુ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યાં છે તેવુ અધિકૃત આંકડામાં જણાવવામાં આવ્યુ છે.

લર્નર્સ લાયસન્સ આપવાની કામગીરી વિકેન્દ્રિત અને પારદર્શક બને તે માટે માન. મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ ગયા ઓકટોબર માસમાં આપેલા નિર્દેશ મુજબ ૨૨૧ આઈટીઆઈને ઓનલાઈન ટેસ્ટ લઈને લર્નર (કાચુ) લાયસન્સ આપવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ નિર્ણયનો ઉદ્દેશ અરજદારો માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવાની તથા રોડ ટ્રાન્સપોર્ટ (આરટીઓ) ઓફિસમાં થતો ધસારો ઓછો કરવાનો હતો.

તે પછી, ૫.૨૪ લાખથી વધુ અરજદારોએ વિવિધ આઈટીઆઈમાં લર્નર્સ લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી તેવુ ડિરેકટોરેટ ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેઈનિંગે આપેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “આઈટીઆઈમાં લાયસન્સ આપવાની વ્યવસ્થાને ખૂબ સારો આવકાર હાંસલ થયો છે, કારણ કે અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં વધારે ધસારો રહેતો હોવાને કારણે આઈટીઆઈમાં જવાનુ વધારે પસંદ કરે છે. ”

મિત્રાએ જણાવ્યું હતું કે ૫.૨૪ લાખ અરજદારોમાંથી ૨.૬૩ લાખ ઉમેદવારોને લર્નર્સ લાયસન્સ આપી દેવામાં આવ્યાં છે.
બાકીના ૨.૬૨ લાખ અરજદારોમાંથી ૧.૧૭ લાખ ટેસ્ટમાં ફેઈલ થયા છે, જ્યારે ૧.૪૪ લાખ અરજીઓ ખૂટતા દસ્તાવેજો, પેન્ડીંગ ફી, ઓનલાઈન ટેસ્ટમાં ક્ષતીઓ તથા અન્ય કારણોથી નકારવામાં આવી છે.

ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટે લર્નીંગ લાયસન્સ માટે અરજીઓ સ્વીકારવાની કામગીરી સ્ટાન્ડર્ડ કોવિડ-૧૯ના પ્રોટોકૉલને અનુસરીને અનલૉક-૧માં ૪ જૂન, ૨૦૨૦થી શરૂ કરી હતી. ૪ જૂનથી ૫ સપ્ટેમ્બર સુધીમાં ૨.૨૮ લાખ અરજીઓ મળી હતી. તેમાંથી ૧.૧૯ લાખ લાયસન્સ ઈસ્યુ કરી દેવામાં આવ્યાં છે.

હવે તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૦થી સરકાર દ્વારા સંચાલિત અમદાવાદ, આણંદ, અમરેલી, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને અન્ય સ્થળોએ વધુ ૧૯ આઈટીઆઈને લાયસન્સ ઈસ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે. આમાંની ૫ એટલે કે થલતેજ, મણીનગર -વસ્ત્રાલ, ગોરવા તથા ભાવનગર અને રાજકોટ શહેરની એક એક આઈટીઆઈ મહિલા અરજદારો માટે અનામત રાખવામાં આવી છે. આ બધી આઈટીઆઈ લર્નર્સ લાયસન્સ આપવાની કામગીરી રોજેરોજ બપોરના ૩-૩૦ થી ૫-૩૦ સુધી કરશે.  શ્રી મિત્રા જણાવે છે કે “આ વ્યવસ્થા ગોઠવાતાં વધુ સંખ્યામાં અરજદારો સર્વિસ પૂરી પાડી શકાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.