Western Times News

Gujarati News

સારા અલી ખાન અને રકુલપ્રિત સિંહ NCBની રડારમાં

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ લિંક સામે આવ્યા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સ્વર્ગસ્થ એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. બાદમાં તેની ધરપકડ કરી અને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી. થોડા દિવસ અગાઉ અહેવાલ હતો કે એનસીબીની પૂછપરછમાં રિયાએ બી-ટાઉનના ૨૫ મોટા નામોનો ઉલ્લેખ કર્યો છે,

જેઓ ડ્રગ્સ લે છે અથવા ડ્રગ્સ પાર્ટી કરે છે. જેમાંથી હવે કેટલાક નામોનો ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રિયા ચક્રવર્તીએ આપેલા નામોમાંથી ત્રણનો ખુલાસો થયો છે. એનસીબીને રિયાએ જણાવેલા નામોમાં એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને ડિઝાઈનર સિમોન ખંભાતાનો સમાવેશ થાય છે. મતલબ સ્પષ્ટ છે કે, આ ત્રણેય હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની રડારમાં છે અને તેમની સામે પુરાવા એકત્ર કરીને પૂછપરછ માટે બોલાવશે. રિયાએ પોતાના ૨૦ પાનાના નિવેદનમાં ઉપર જણાવેલા ત્રણ નામોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહ બંને રિયાની ફ્રેન્ડ્‌સ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સારા અને રિયા અગાઉ સાથે જ જિમ જતાં હતાં પરંતુ સુશાંતના કારણે બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી. તો રકુલપ્રીત સિંહ સાથે પણ રિયા ઘણીવાર જિમ કે શોપિંગ કરતી પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી છે. રિપોર્ટ પ્રમાણે, હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એ, બી, સી ગ્રેડના એક્ટર્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની રડારમાં છે. એક્ટર્સ ઉપરાંત ડાયરેક્ટરો, કાસ્ટિંગ ડાયરેક્ટરો, પ્રોડક્શન હાઉસ સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો એનસીબીની રડારમાં છે. રિપોર્ટ મુજબ, કેંદ્રીય તપાસ એજન્સીઓ બોલિવુડમાં ડી-કંપની (ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સંચાલિત) દ્વારા થતા ફાઈનાન્સિંગની પણ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની ૪ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. જે બાદ ત્રણ દિવસની પૂછપરછના અંતે ૮ સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરી હતી.

શુક્રવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટે રિયા અને તેના ભાઈ શોવિક સહિતના આ કેસમાં પકડાયેલા તમામની જામીન અરજી નામંજૂર કરી હતી. રિયા ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર થતાં એક્ટ્રેસ ૨૨ સપ્ટેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં રહેશે. હાલ રિયા ભાયખલા જેલમાં બંધ છે.

રિયાની જામીન અરજી નામંજૂર થયા બાદ તેના વકીલ સતીશ માનેશિંદે કહ્યું, એનડીપીએસ સ્પેશિયલ કોર્ટના આદેશની નકલ મળી જાય પછી અમે આગળની રણનીતિ તૈયાર કરીશું અને આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરીશું.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ કરી રહેલી ઈડીને રિયાના મોબાઈલમાંથી ડ્રગ્સ ચેટ મળી હતી. જે બાદ તેમણે સીબીઆઈ અને એનસીબીને જાણ કરી હતી. સુશાંતના મોત કેસની તપાસ હાલ દેશની ત્રણ ટોચની એજન્સી- સીબીઆઈ, ઈડી, એનસીબી કરી રહી છે. બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.