Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી દ્વારા ૩ વિઘામાં ટામેટાંની ખેતીમાં મળેલી સફળતા

આણંદ- સોમવારઃ- કહેવાય છે ને કે જે પરસેવે ન્હાય તેને જ સિધ્ધિ મળે છે.

તમે કોઈ પણ ક્ષેત્રેમાં આગળ વધવા માંગતા હો ત્યારે આપણે ખૂબ મહેનત કરીને સતત કાર્યરત રહેવું પડે છે ત્યારે જ આપણને તેમાં સફળતા હાથ લાગે છે.

આવી જ કંઈક વાત છે, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનાં માત્ર ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરનાર ખેડૂત પરિવારનાં પુત્ર વિક્રમસિંહ ચૌહાણની.

જેણે પોતાના પરીવારની ખેતીને પોતાનો વ્યવસાય બનાવી દીધો અને ખેતીને પોતાની આગવી સુઝબુઝથી ટામેટાંની ખેતી કરી અને આ ખેતીએ તેમને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ અપાવ્યો.

આ એવોર્ડ મળતાં ખેડૂત વિક્રમસિંહ ચૌહાણને પૂછવામાં આવ્યું કે, માત્ર ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ હોવા છતાં આ કેવી રીતે શક્ય બન્યું તો તેમણે આ મુલાકાતમાં જણાવ્યું કે,

આજથી દસ વર્ષ પહેલા મેં મારા આ ખેતરમાં  ટામેટાં અને ડાંગર જેવા પાકોની ખેતી કરવાની શરૂઆત કરી અને સારા ઉત્પાદનની આશાએ મેં ખેતરમાં યુરીયા અને સલ્ફેટનો ઉપયોગ કર્યો પરંતુ ધાર્યું પરીણામ મળ્યું નહીં જેથી મેં વિચાર કર્યો કે એવું શું કરી શકું કે જેનાથી પાક પણ સારો થાય, જમીનને પણ નુકશાન ન થાય અને પાકની કિંમત પણ સારી મળે.

જે બાદ તેનો સતત વિચાર કરતો કે કઈ રીતે ખેતીમાં કંઈક નવું કરી શકું એટલામાં જ મને વિચાર આવ્યો કે કંઈક નવું કરવું જોઈએ અને નવું કરવા માટે મેં સોશિયલ મીડિયામાં સુભાષ પાલેકરજીના વિડિયો જોવાનું શરૂ કર્યું જે બાદ ધીમે ધીમે મારા ખેતરમાં ૩ વિઘામાં પ્રાકૃતિક રીતે ટામેટાની ખેતીની શરૂઆત કરી અને વિડિયોમાં આપવામાં આવતા માર્ગદર્શન પ્રમાણે ખેતી પદ્ધતિ અપનાવી જેથી પ્રાકૃતિક ખેતીમાં વધુ રસ પડ્યો’

ત્યાર બાદ મને આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી મળતાં આત્મા પ્રોજેક્ટની કચેરીમાં જઈને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જોડાવા માટેની પ્રક્રિયા કરીને ફાર્મર્સ ઈન્ટ્રેસ ગૃપમાં જોડાયો અને
અવાર નવાર આત્માના અધિકારીઓ દ્વારા વિવિધ માર્ગદર્શના સેમિનારો વિશે માહિતી મેળવી

જે બાદ વડતાલ, સોખડા અને અમદાવાદ ખાતેની તાલીમ શિબિરમાં જોડાયો જ્યાં સુભાષ પાલેકરજી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અન્ય ખેતીના નિષ્ણાંતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, દસપર્ણી અને અન્ય બાબતો વિશે તાલીમ મેળવી.

વિક્રમસિંહ ચૌહાણ કહે છે કે, આજથી પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી મારા ખેતરમાં ૩ વિઘામાં ટામેટાની  પ્રાકૃતિક રીતે ખેતી કરવાની શરૂઆત કરી અને તેના દ્વારા ઉત્પાદિત થયેલા ટામેટાની ધીમે ધીમે ડિમાન્ડ વધવા માંડી

જે બાદ હવે આગામી દિવસોમાં હું ૩ વિઘાની જગ્યાએ ૧૫ વિઘામાં ટામેટાંની ખેતીની શરૂઆત કરીશ મારા ખેતરમાં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા ટામેટા દિલ્હી અને હરિયાણામાં વેચાઈ રહ્યાં છે આમ આજે ખેતીમાં ખર્ચ ઘટવાની સાથે મારી આવકમાં ઘણો જ વધારો થયો છે.

વાત વાતમાં વિક્રમસિંહ ચૌહાણે કહ્યું કે, મેં જે ટામેટાની પ્રાકૃતિક ખેતી અપનાવી તેની જાણકારી મેળવવા આસપાસનાં ખેડૂતો પણ મારા ખેતરની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે હું તેમને પણ પ્રાકૃતિક ખેતી અંગે, જીવામૃત, બીજામૃત અને દસપર્ણી વિશે સમજ આપી રહ્યો છું અને તેમની પણ આવક વધે તે માટે પ્રોત્સાહિત કરી રહ્યો છું.

અને મને એ વાતનો આનંદ પણ છે કે કેટલાક ખેડૂતો મારી જેમ પ્રાકૃતિક ખેતી અપનાવી પણ રહયાં છે. જેથી તેઓનો પણ મારી જેમ વધારાનો ખર્ચ ઘટશે અને ખેતી ખર્ચ ધટવાના કારણે તેમની પણ આવકમાં વધારો થશે જેથી તેમને પણ ખેતીમાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સંકલ્પ બધ્ધ થયાં છે ત્યારે તેને આગળ વધારવા માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના અમલી બનાવી છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની દિશા બતાવી છે. જેથી આજે રાજ્યનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે.

આમ વિક્રમસિંહે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવીને અપને મન મેં એક લક્ષ્ય લીયે, મંઝીર અપની પ્રત્યક્ષ લીયે, હમ તોડ રહે હૈ ઝંઝીરે, હમ બદલ રહે હૈ તસ્વીરે યે નવયુગ હૈ, યે નવભારત હૈ, હમ ખુદ લીખેંગે અપની તકદીર, હમ નિકલ પડે હૈ પ્રણ કરકે, અપના તન મન અર્પણ કરકે, ઝીદ હૈ એક સૂર્ય ઓર ઉગાના હૈ, અંબર સે ઉંચા જાના હૈ, એક નયા ગુજરાત બનાના હૈ પંક્તિને સાર્થક કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.