Western Times News

Gujarati News

કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા માનવ કૌલ ખુશ

મુંબઈ: કોરોના સંક્રમણની ઝપેટમાં અત્યાર સુધી સામાન્ય લોકોથી માંડીને ટેલિવિઝન અને બોલિવુડના સેલેબ્સ આવી ચૂક્યા છે. હાલમાં જ અહેવાલ હતા ફિલ્મ નેલ પોલિશમાં અર્જુન રામપાલના કો-સ્ટાર માનવ કૌલ અને આનંદ તિવારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયું હતું. આ વાતની જાણકારી અર્જુને સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે જણાવ્યું હતું કે, માનવ કૌલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પોતે પણ હોમ ક્વોરન્ટીન થયો છે.

જો કે, હવે માનવ કૌલ સાજા થઈ ગયા છે. કોરોના સામે જંગ જીત્યા બાદ માનવ કૌલે પોતાની તસવીર શેર કરતાં લખ્યું, હું કોવિડ પોઝિટિવ હતો અને હમણાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પહેલીવાર નેગેટિવ હોવાની અત્યંત ખુશી થઈ રહી છે. આપણે સૌ આ મહામારીમાં એકસાથે છીએ. પોતાનું અને સ્વજનોનું ધ્યાન રાખો. એકબીજાનો સાથ-સહકાર મળ્યો તો આપણે જલદી જ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈશું. તમારા સૌનો પ્રેમ મારા સુધી પહોંચ્યો એટલે જ કદાચ હું ઝડપથી સાજો થઈ ગયો.

તમારા સૌનો ખૂબ આભાર. પોસ્ટમાં આગળ માનવ કૌલે સારવાર કરનારા તબીબોનો પણ આભાર માન્યો છે. માનવે લખ્યું, “મારા મિત્ર અને ઉત્તમ ડૉક્ટર બ્રિજેશ્વર સિંહને મારો ખાસ આભાર. તમારા કારણે જ બધા થિયેટરવાળા કોઈ બીમારીથી ડરતાં નથી. તેમના મિત્ર રહેલા ડૉ. અમર ખાનનો હૃદયપૂર્વક આભાર. જણાવી દઈએ કે, માનવ કૌલ, અર્જુન રામપાલ સાથે એક કોર્ટ રૂમ ડ્રામા ‘નેલ પોલિશ’માં કામ કરી રહ્યા છે. બગ્સ ભાર્ગવ કૃષ્ણા નિર્દેશિત આ ફિલ્મ વિશે અર્જુન રામપાલે જણાવ્યું હતું કે, “આ ફિલ્મની સ્ક્રિપ્ટ તેના શીર્ષકની જેમ જ અટપટી છે. આ ફિલ્મ ખૂબ આશાસ્પદ છે. ફિલ્મ કોઈપણ વ્યક્તિને તેની મર્યાદાથી આગળ લઈ જઈને ખાસ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.