Western Times News

Gujarati News

સરકાર દ્વારા સૂચવવામાં આવેલ તમામ 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું: જાવડેકર

ભારત માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે પાંચ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલ ભારતના 8 બીચને આંતરરાષ્ટ્રીય નિર્ણાયકો કે જેમાં યુએનઈપી (UNEP), યુએનડબલ્યુટીઓ (UNWTO), એફઇઇ (FEE), આઈયુસીએન (IUCN)ના સભ્યોનો સમાવેશ થાય છે તેમના દ્વારા “બ્લૂ ફ્લેગ” પ્રદાન કરવામાં આવ્યો છે.

જે બીચને “બ્લૂ ફ્લેગ” પ્રદાન કરવામાં આવ્યા છે તેમાં શિવરાજપુર (દ્વારકા – ગુજરાત), ઘોઘલા (દીવ), કસરકોડ અને પદુબિદરી (કર્ણાટક), કપ્પડ (કેરળ), ઋષિકોન્ડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (પૂરી – ઓડિશા) અને રાધાનગર (આંદમાન અને નિકોબાર દ્વીપ /સમૂહો)નો સમાવેશ થાય છે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ભારતને “આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ કાર્યો”ની શ્રેણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય નિર્ણાયકો દ્વારા 3જા નંબરનું ઈનામ પણ આપવામાં આવ્યું છે.

પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આ એક અદ્વિતીય જીત છે કારણ કે કોઈપણ “બ્લૂ ફ્લેગ” રાષ્ટ્રને અત્યાર સુધી પ્રથમ જ પ્રયાસમાં એક સાથે 8 બીચને આ સન્માન પ્રાપ્ત નથી થયું”. તેમણે ટ્વિટમાં એમ પણ ઉમેર્યું હતું કે, “આ ભારતના સંરક્ષણ અને સંતુલિત વિકાસના પ્રયાસોની એક વૈશ્વિક સ્વીકૃતિ પણ છે”.

અન્ય એક ટ્વિટ કરતાં શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, “સમગ્ર એશિયા પેસિફિકમાં પણ ભારત એ સૌપ્રથમ દેશ છે કે જેણે માત્ર 2 જ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે”.

જાપાન, દક્ષિણ કોરિયા અને યુએઇ એ જ માત્ર અન્ય એશિયન રાષ્ટ્રો છે કે જેમને કેટલાક બ્લૂ ફ્લેગ બીચ પ્રાપ્ત થયેલા છે અને જો કે તેમ છતાં તે 5 થી 6 વર્ષના ગાળામાં મળેલા છે!

ભારત હવે 50 “બ્લૂ ફ્લેગ” દેશોના લીગમાં પ્રવેશી ચૂક્યું છે અને આપણે આપણાં દેશ માટે આ સન્માન ધારણ કરીએ છીએ અને આ સાથે જ આ યાત્રાને આગળ લઈ જતા આગામી પાંચ વર્ષ દરમિયાન આ પ્રકારના 100 બીચ તૈયાર કરવાનું આયોજન કરીએ છીએ.

ભારતે પાઈલોટ બીચ (પ્રત્યેક દરિયા કાંઠાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક એક)ના વિકાસ માટેની પોતાની વિનમ્ર યાત્રા 2018 માં શરૂ કરી હતી અને આગામી પ્રવાસી ઋતુ 2020 માટે પ્રમાણપત્ર માટે 08 બીચની પ્રથમ જોડી પ્રસ્તુત કરી હતી.

ભારતના દરિયા કાંઠાના પ્રદેશોના “સંતુલિત વિકાસ”ની રાહ પર ચાલતા સિકોમ (SICOM), પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC), દ્વારા તેના ICZM (ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ) પ્રોજેક્ટ અંતર્ગત સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલ અને ફ્લેગશીપ કાર્યક્રમ “BEAMS – બિમ્સ” (બીચ એન્વાયર્મેન્ટ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસી)ની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ફાઉન્ડેશન ઓફ એન્વાયર્મેન્ટ એજ્યુકેશન, FEE ડેન્માર્ક દ્વારા આપવામાં આવતા નામાંકિત આંતરરાષ્ટ્રીય ઇકો લેબલ “બ્લૂ ફ્લેગ”ને પ્રાપ્ત કરવાનો હતો.

BEAMS – બિમ્સ કાર્યક્રમનો હેતુ દરિયાઈ પર્યાવરણના નિયમો અને કાયદાઓને અનુકૂળ રહીને બીચ પર જનારા લોકો માટે સ્વચ્છતા, સફાઇ, સુરક્ષા અને સંરક્ષણના ઊંચા માનાંકો જાળવી રાખવા અને તેને પ્રાપ્ત કરવા માટે દરિયાઈ પાણીમાં અને બીચ ઉપર પ્રદૂષણ નિયંત્રણ કરવાનો, બીચ સામગ્રી/ સુવિધાઓના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો, દરિયાઈ ઇકો સિસ્ટમ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અને જાળવણી કરવાનો તેમજ સ્થાનિક સત્તાધીશો અને હિત ધારકોને પ્રોત્સાહિત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.