Western Times News

Gujarati News

સુએઝ ફાર્મ વિસ્તારમાં ભૂ-માફીયાઓનો આતંક

ડમ્પીંગ સાઈટની બાજુમાં કેમીકલયુકત પાણી છોડવામાં
આવી રહયુ છેઃ ફાયર સેફટીના નામે શૂન્ય

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 06062019: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “સાબરમતી શુધ્ધિકરણ”ની ટ્રીગર ઈવેન્ટ શરૂ કરવામાં આવી છે. નદીમાં ઠલવાતા સુએજ અને કેમીકલયુકત પાણી બંધ કરાવી ને નદી ને શુધ્ધ કરવા પ્રયાઈ થઈ રહયા છે.  શહેરના કલંક સમાન પીરાણા ડુંગર ને સમથળ કરવા માટે છેલ્લા બે મહીનાથી કાર્યવાહી શરૂ થઈ છે. જયારે સુરત ટયુશન કલાસની દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો અને ફાયર એનઓસી માટે પણ કડક કામગીરી થઈ રહી છે. મ્યુનિ.કોર્પોરેશને છેલ્લા બે મહીનામાં ફાયર, પ્રદુષણ અને ગેરકાયદેસર બાંધકામો સામે જે કાર્યવાહી શરૂ કરી છે તેના લીરા દક્ષિણઝોનના ઉચ્ચ અધિકારી ઉડાવી રહયા છે.

દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં આવેલ સુએજ ફાર્મ વિસ્તાર પ્રદુષણ આગ અને ગેરકાયદેસર બાંધકામોમાં મોખરે છે. આ વિસ્તારમાં કોર્પોરેશનની જમીન પર ૮૦ કરતા વધારે ગેરકાયદેસર બાંધકામો તેમજ પીરાણા ડમ્પીંગ સાઈટ પાસે કેમીકલયુકત પાણી ઠલવાતા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. બીજા શબ્દોમાં કહી એ તો આ વિસ્તાર “આગ ના ગોળા” સમાન બની ગયો છે. બહેરામપુરા વોર્ડના સુએઝ ફાર્મ વિસ્તારમાં ખેડૂત મંડળ અને કોર્પોરેશનની જમીનો છે.

મ્યુનિ.એસ્ટેટ અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતથી આ જમીનો પર ખૂબ જ મોટાપાયે ઈન્ડ.પ્રકારના ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. જેનાં જી.ડી.સી.આર. પોલ્યુશન બોર્ડ અને ફાયર એનઓસીની ઐસી-તૈસી કરવામાં આવી રહી છે. સુએઝ ફાર્મ વિસ્તારમાં ૯૦ કરતા વધારે અલગ-અલગ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝ છે.

જે પૈકી દસ જેટલા એકમોમાં બોઈલર નો પણ ઉપયોગ થઈ રહયો છે. જે જીવના જવાળામુખી સમાન છે. તેમ છતાં આ એકમોમાં ફાયર-સેફટીના નામે શૂન્ય છે. બહેરામપુરા વોર્ડના ગેરકાયદેસર બાંધકામો માટે ઝોનના ઉચ્ચ અધિકારીએ લાખો રૂપિયાના વહીવટ કર્યા પણ છે. જેના કારણે જ પોલીસ બંદોબસ્ત મળતા હોવા છતાં તેને તોડી પાડવા માટે કાર્યવાહી થતી નથી.

જયારે કેટલાક કિસ્સામાં પોલીસ બંદોબસ્ત ન મળે તેવા આશયથી જ પોલીસ ખાતા પાસે સ્ટાફ-ની માંગણી કરવામાં આવે છે. સુએઝ ફાર્મ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામો ને તોડવા માટે માર્ચ મહીનામાં પોલીસ બંદોબસ્ત મળ્યો હતો તથા એસ્ટેટ ખાતાના અધિકારીઓ પણ હાજર થઈ ગયા હતા. તેમ છતાં ડે.મ્યુનિ. કમીશ્નરે સવારે ૧૧ વાગે “ડીમોલેશન રદ” કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી.

સુએઝ ફાર્મ વિસ્તારમાં બેરોકટોક ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામો અને ડમ્પીંગ સાઈટ પાસે ઠલવાતી કેમીકલયુકત પાણીની ટેન્કરો મામલે સામાજીક કાર્યકર આકાશ સરકારે ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે સુએઝ વિસ્તારમાં ખેડૂત મંડળી તથા કોર્પોરેશનની જમીન પર બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો થયા છે. સદ્દર બાંધકામો હેમખેમ પુરા કરવાની જવાબદારી ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર જ લઈ રહયા છે.

તેથી અનેક વખત ફરીયાદો કરવા છતાં પણ આ બાંધકામોને તોડવામાં આવતા નથી. દક્ષિણઝોન એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ૦૬ મહીનામાં લગભગ પ૦ વખત પોલીસ બંદોબસ્તનો નાટક કરવામાં આવ્યા છે. દાણીલીમડા પોલીસ ખાતા દ્વારા બંદોબસ્ત આપવામાં આવે તો પણ યેનકેન પ્રકારે ડીમોલેશન કાર્યવાહી રદ થાય છે.

ઝોન દ્વારા ર૯ જાન્યુઆરીએ અટીન પ્રોસેસની લાઈનમાં થયેલ ઈન્ડ. પ્રકારના બાંધકામ, ગુરુદેવ ફાર્મની પાછળ ના બાંધકામ વિષ્ણુલક્ષી ફેકટરી સામેના બાંધકામ, રૂપમ ટેક્ષટાઈલની બાજુમાં અજમેરી ગલીના બાંધકામ, અંબિકામીલ ની સામે થયેલ બાંધકામ, રાજુભાઈ જૈન (રાજુ-વિકાસ) વિષ્ણુલક્ષી ફેકટરીની સામેની ગલી, ૧૩ મે ર૦૧૯ ના રોજ વધુ એક વખત રાજુ-વિકાસના બાંધકામ, ૦૬ મે ના દિવસે બહેરામપુરા ગુજરાતી શાળા નં.૮ ની સામે પીરાણા આર.સી.સી.રોડ પર થયેલ ઈન્ડ. પ્રકારના બાંધકામ ને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. આ તમામ કેસમાં ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નરની સાથે-સાથે સ્થાનિક પોલીસ અધિકારીની સંડોવણી હોવાની પણ શકયતા છે.

જેના કારણે બહેરામપુરા વોર્ડના તમામ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો નથી. તેથી જ દક્ષિણઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ  અધિકારીના ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાન સમક્ષ લેખિતમાં ફરીયાદ પણ કરવામાં આવીછે.

સુએઝ ફાર્મ વિસ્તારમાં જે ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામો થયા છે તે પૈકી લગભગ દસ ઔધોગિક એકમોમાં બોઈલરનો પણ ઉપયોગ થાય છે. તેમ છતાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ વિસ્તારના ઔધોગિક એકમો દ્વારા પીરાણા ડમ્પીંગ સાઈટની આસપાસ જ કેમીકલયુકત ગંદા પાણી પણ છોડવામાં આવી રહયા છે. આમ સુએઝ ફાર્મ વિસ્તારમાં બાંધકામ, ફાયર-સેફટી અને પોલ્યુશન ના તમામ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહયો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.