Western Times News

Latest News from Gujarat

IIT ચેન્નઇને સ્વદેશી સોફ્ટવેર સોલ્યુશન તૈયાર કરવા માટે રૂપિયા 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે

VTS/VTMS જહાજોની સ્થિતિ, અન્ય ટ્રાફિકની સ્થિતિ અથવા હવામાન સંબંધિત જોખમોની ચેતવણીઓનું સોફ્ટવેર છે તેમજ બંદર અથવા જળમાર્ગમાં સઘન ટ્રાફિક વ્યવસ્થાપન કરે છે

‘મેડ ઇન ઇન્ડિયા’ VTS અને VTMS સોફ્ટવેરથી ‘મેક ફોર ધ વર્લ્ડ’ જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીઓનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો થયો છે: શ્રી મનસુખ માંડવિયા

Ahmedabad,  રાજ્ય જહાજ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ઇ-લોન્ચિંગ દ્વારા જહાજ ટ્રાફિક સેવાઓ (VTS) અને જહાજ ટ્રાફિક દેખરેખ પ્રણાલી (VTMS) માટે સ્વદેશી સોફ્ટવેર વિકસાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં શ્રી માંડવિયાએ ભારતીય બંદરો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં ખૂબ જ મોંઘા વિદેશી સોફ્ટવેર સોલ્યુશનનો ઉપયોગ કરવાના બદલે દેશની જરૂરિયાત અનુસાર સ્વદેશી બનાવટની પ્રમાણીઓ વિકસાવવા પર ભાર મૂક્યો હતો.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીને અનુરૂપ, ‘મેડ ઇન ઇન્ડિયા’ VTS અને VTMS સોફ્ટવેરથી ‘મેક ફોર ધ વર્લ્ડ’ જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીઓનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો થશે.

VTS અને VTMS એવા સોફ્ટવેર છે સમુદ્રમાં જહાજની સ્થિતિ, અન્ય ટ્રાફિકની સ્થિતિ નક્કી કરે છે, હવામાનની સ્થિતિના જોખમોની ચેતવણી આપે છે અને બંદરો પર તેમજ જળમાર્ગોમાં સઘન ટ્રાફિક વ્યવસ્થાપન કરે છે. જહાજ ટ્રાફિક સેવાઓ (VTS) દરિયામાં લોકોના જીવન, નેવિગેશનની સલામતી અને કાર્યદક્ષતા અને દરિયાઇ પર્યાવરણની સુરક્ષા, આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો, કાર્યસ્થળો અને દરિયાકાંઠાથી દૂરના ઇન્સ્ટોલેશનને સમુદ્રી ટ્રાફિકના કારણે સંભવિત વિપરિત અસરોથી સલામત રાખવામાં મદદ કરે છે.

જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીઓ દુનિયામાં સૌથી વ્યસ્ત હોય તેવા કેટલાક જળમાર્ગોમાં લગાવવામાં આવેલી છે અને તેના કારણે સલામત દિશાસૂચન, વધુ કાર્યદક્ષ ટ્રાફિક પ્રવાહ તેમજ પર્યાવરણની સુરક્ષામાં ઘણું સારું યોગદાન મળી રહ્યું છે.

વ્યસ્ત એપ્રોચ રૂટ્સ, ઍક્સેસ ચેનલ અને બંદરો પર ટ્રાફિકના પ્રવાહનું સલામત રીતે સંકલન થઇ શકે છે અને તેનાથી બંદરો તેમજ વપરાશકર્તાઓનું શ્રેષ્ઠ હિત જાળવી શકાય છે. દુર્ઘટનાઓ અને તાકીદની પરિસ્થિતિઓને પણ આની મદદથી ઝડપથી નિયંત્રણમાં લઇ શકાય છે. ટ્રાફિકની હિલચાલનો ડેટા પણ સંગ્રહિત કરી શકાય છે અને બંદરોના સંચાલન, બંદરોના સત્તામંડળો, તટરક્ષક દળો અને શોધ તેમજ બચાવ સેવાઓ માટે સંદર્ભ તરીકે આ ડેટાનો ઉપયોગ કરી શકાય છે.

IMO કન્વેન્શન SOLAS (દરિયાઇ જીવનની સલામતી) અંતર્ગત VTMS ફરજિયાત છે. VTMS ટ્રાફિક ઇમેજને અદ્યતન સેન્સર્સ જેમ કે રડાર, AIS, દિશા શોધન, CCTV અને VHF અથવા અન્ય સહકારી પ્રણાલીઓ અને સેવાઓના માધ્યમથી સંકલિત અને એકત્રિત કરી શકાય છે. અદ્યતન VTMS તમામ પ્રકારની માહિતી એકલ પરિચાલન કામગીરી માહોલમાં એકીકૃત કરે છે જેથી સરળતાથી તેનો ઉપયોગ થઇ શકે અને અસરકારક ટ્રાફિક આયોજન અને સંદેશાવ્યવહાર થઇ શકે.

વર્તમાન સમયમાં, ભારત પાસે અંદાજે 15 VTS પ્રણાલીઓ ભારતીય દરિયાકાંઠાઓ પર પરિચાલનમાં છે અને કોઇ VTS સોફ્ટવેરમાં એકરૂપતા નથી કારણ કે દરેક પ્રણાલીમાં પોતાનું VTS સોફ્ટવેર છે. આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે સ્વદેશી VTMS સોફ્ટવેર વિકાસના સંયુક્ત વિકાસ માટે તાજેતરમાં લાઇટ અને લાઇટહાઉસ મહા નિદેશક (DGLL)ની કચેરી સાથે સકારાત્મક સહકારમાં આવેલી પ્રગતિના કારણે સ્વદેશી સોફ્ટવેર વિકાસની મદદથી આ ક્ષેત્રમાં સહકાર વધુ પ્રબળ બનશે.

સાથે સાથે, આનાથી બંદર ક્ષેત્રમાં ભારત અને પ્રદેશ બંનેને ફાયદો થશે. પરીક્ષણ માટે અને દૈનિક પરિચાલનો માટે આ સિસ્ટમ સંપૂર્ણપણે મજબૂત બની જાય ત્યાં સુધી સમાંતર પ્રણાલીમાં તેનું પરિચાલન કરવા માટે પ્રોટોટાઇપ પ્રણાલી દસ મહિનામાં બની જશે તેવી અપેક્ષા છે.

સ્વદેશી VTS સોફ્ટવેર વિકસાવવાથી આ મુદ્દા પર થતો વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટી જશે અને તેનાથી VTS સોફ્ટવેર માટે વિદેશી સહકાર પરની નિર્ભરતા પણ ઓછી થશે. તદઅનુસાર, સ્વદેશી VTS સોફ્ટવેર વિકસાવવાથી અહીં ઉલ્લેખિત ફાયદા થશે:

ભારતમાં વિવિધ VTS સોફ્ટવેર માટે વિદેશી હુંડિયામણની બચત. VTS સોફ્ટવેર ભારતીય વ્યાપારને અનુકૂળ  રાષ્ટ્રો જેમ કે, માલદીવ્સ, મોરેશિયસ, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અખાતી દેશોને પણ આપી શકાય તેમ છે.આનાથી ભવિષ્યમાં સોફ્ટવેર અપગ્રેડ કરવાના ખર્ચામાં પણ ઘટાડો થશે. બંદરોના MIS/ERP સોફ્ટવેર સાથે ઇન્ટરકનેક્ટ કરવાનું વધુ સરળ થશે.

ભારતીય VTS સોફ્ટવેરની ઉપલબ્ધતા ભારતીય કંપનીઓને વૈશ્વિક બીડ્સમાં વ્યાપારિક રીતે વધુ સ્પર્ધાત્મક બનાવશે.
DGLL દ્વારા ભારતીય નૌકદળના રાષ્ટ્રીય સમુદ્રી ક્ષેત્ર જાગૃતિ કાર્યક્રમ NCVTS અમલ – વાસ્તવિક સમયમાં, ઇન્ટરએક્ટિવ દરિયાઇ જહાજો માટે દિશાસૂચન પ્રણાલીમાં મદદ કરે છે જે ભારતીય VTS સોફ્ટવેર માટે ઓછા ખર્ચે સંભવિત બનશે.

જહાજ મંત્રાલયે સ્વદેશી VTSસોફ્ટવેર તૈયાર કરવા માટે ચેન્નઇ સ્થિત IITને રૂપિયા 10 કરોડની રકમ મંજૂર કરી દીધી છે. જહાજ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય બંદરોના ચેરપર્સન અને IIT, ચેન્નઇના પ્રતિનિધિ પણ કાર્યક્રમ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમોથી ઉપસ્થિત રહ્યાં હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers