Western Times News

Gujarati News

મ્યુનિ.શાળાના બિલ્ડીંગોને ખોટી રીતે ભયજનક જાહેર કરવાનું ષડયંત્ર

૨૦૧૬માં ભયજનક જાહેર થયેલ દાણીલીમડા શાળાનું કામ હજી પૂર્ણ થયું નથી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ભોગ નાગરીકો બનતા રહ્યાં છે. પરંતુ હવે તેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો છે. મ્યુનિ.સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાના બિલ્ડીંગોને વિના કારણ ભયજનક જાહેર કરી તેને ખાલી કરાવવામાં આવે છે. ત્યારબાદ પાંચ-પાંચ વર્ષ સુધી નવા બિલ્ડીંગ તૈયાર થતા નથી. ગરીબ-મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના ભોગે ભૂ-માફીયાઓને ફાયદો કરાવવા માટે વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોવાના કોંગી સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૨૦૦૫થી ૨૦૧૦ના સમયગાળા દરમ્યાન થયેલા બાયડ-ભ્રષ્ટાચારના કારણે શાળાના બિલ્ડીંગોના રીપેરીંગ કરવા તેમજ નવા બિલ્ડીંગ બનાવવાની જવાબદારી મ્યુનિ.ઈજનેર ખાતાને સોંપવામાં આવી છે. મ્યુનિ.ઈજનેર ખાતાના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓએ શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની પરંપરા યથાવત રાખી છે.

મ્યુનિ.સ્કૂલબોર્ડના સભ્ય ઈલ્યાસ કુરૈશીએ ઉપરોક્ત આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે મ્યુનિ.ઈજનેર ખાતા દ્વારા કોઈપણ નક્કર કારણ વિના જ કેટલીક શાળાઓને ભયજનક જાહેર કરવામાં આવી છે. ઈજનેર ખાતા દ્વારા ભયજનક જાહેર કરવામાં આવેલી શાળાઓ તાકીદે બંધ કરવામાં આવે છે ત્યારબાદ તેના રીપેરીંગ કામ થતા નથી. દાણીલીમડા વિસ્તારની શાળા ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ બંધ કરવામાં આવી હતી. ચાર વર્ષ પૂરા થયા બાદ પણ શાળાનું બાંધકામ હજી ચાલી રહ્યું છે. જ્યારે રખિયાલ ઉર્દુ શાળાનો કિસ્સો અનોખો છે. ઈજનેર વિભાગે આ શાળાને ભયજનક બતાવી બંધ કરાવી છે.

જ્યારે શાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ૨૮ દુકાનો હજી પણ ચાલી રહી છે. મ્યુનિ.બિલ્ડીંગ ઈજનેર ખાતા દ્વારા ગોમતીપુર શાળા નંબર-૩-૪, ગોમતીપુર શાળા નંબર-૧-૨ સિમેન્ટની ચાલી, જમાલપુર ઉર્દુ શાળા નંબર-૬, દાણીલીમડા ગુજરાતી શાળા નંબર-૧-૨ હિત ચાલુ વર્ષમાં આઠ શાળાઓને ભયજનક જાહેર કરવામાં આવી છે. જે પૈકી ઘણી શાળાઓમાં સામાન્ય રીપેરીંગની જરૂરિયાત છે. તેમ છતાં શાળાઓ ખાલી કરાવી મહિનાઓ અને વર્ષાે સુધી તેના મરામત કામ કરવામાં આવતાં નથી.

મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત શાળાના બિલ્ડીંગોને ભયજનક જાહેર કરવા માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. તેવી જ રીતે આ શાળાના કામ કેટલા સમયમાં પૂર્ણ કરવા તે અંગે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. શાળાઓ બંધ કરાવ્યા બાદ તેને દૂરના વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે છે. જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. સામાન્ય નુકશાન થયા હોવા છતાં બિલ્ડીંગને ભયજનક જાહેર કરવા પાછળ મોટુ ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે. આ રીતે શાળાઓ બંધ કરાવ્યા બાદ કામ ન કરવામાં ન આવે તો ભૂ.માફીયાઓ કે અસામાજિક તત્વો તેનો કબજાે લઈ શકે છે. મ્યુનિ.ઈજનેર ખાતા દ્વારા ખોટી રીતે શાળા બિલ્ડીંગોને ભયજનક જાહેર કરવાની પદ્ધતિ બંધ કરવા માટે મ્યુનિ.કમીશનરને આવેદનપત્ર પણ આપ્યું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.