Western Times News

Gujarati News

હવે ISIની નજર હેઠળ ગુરુદ્વારાની સારસંભાળ થશે

ચંદીગઢ: કરતારપુર ગુરુદ્વારાને લઈને પાકિસ્તાનના નવા કાવતરાનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે પાકિસ્તાન સરકાર તરફથી ગુરુદ્વારાની સારસંભાળ માટેની જવાબદારી પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ પાસેથી છીનવી લેવામાં આવી છે. પાકિસ્તાનની નવી ચાલનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ગુરુદ્વારાની સારસંભાળની જવાબદારી જે સંસ્થાનને સોંપવામાં આવી છે તેમાં એક પણ શીખ સભ્ય નથી. અહેવાલ છે કે ગુરુદ્વારાની સારસંભાળની જવાબદારી જે સંસ્થાનને સોંપવામાં આવી છે

તેના તમામ ૯ સભ્ય ઇવેક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડથી જોડાયેલા છે. નોંધનીય છે કે ઇટીપીબીને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ કન્ટ્રોલ કરે છે. આ સંસ્થાનના સીઇઓ મોહમ્મદ તારિક ખાનને બનાવવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાન સરકારને શીખોની ધાર્મિક લાગણીઓ વિરુદ્ધના આ પોતાના ર્નિણયને પાછો લેવા માટે કહ્યું છે.

તેની સાથે જ વિશ્વભરના શીખોએ આ ર્નિણયની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે આ રિપોર્ટ્‌સને જોયા છે જે મુજબ પાકિસ્તાનમાં પવિત ગુરુદ્વારા કરતારપુર સાહિબનું પ્રબંધન તથા સારસંભાળનું કામ આઈટીપીબીને સોંપવામાં આવ્યું છે.

પાકિસ્તાનનો એક તરફી ર્નિણય નિંદનીય છે અને કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની ભાવનાઓ અને શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ છે. આવું પગલું પાકિસ્તાન સરકાર અને ધાર્મિક લઘુમતી સમુદાયોના અધિકારો તથા કલ્યાણના તેમના મોટા દાવાઓથી એકદમ વિરુદ્ધ છે. નોંધનીય છે કે, કોરોના મહામારી બાદ કરતારપુર કોરિડોરને બંધ કરી દેવામાં આવ્યો હતો.

ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ પણ તેને ખોલવાને લઈ ર્નિણય લેવામાં આવશે. જણાવી દઈએ કે ૩૦ નવેમ્બરે ગુરુનાનક દેવજીની ૫૫૧મી જયંતી છે. તેના માટે પાકિસ્તાને શીખ શ્રદ્ધાળુઓને આમંત્રિત કર્યા છે. બીજી તરફ ભારત સમક્ષ પણ પાકિસ્તાને કરતારપુર કોરિડોરને ખોલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.