Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીનું આ ટ્રેલર છે : રૂપાણી

અમદાવાદ: આઠ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપના જોરદાર પર્ફોમન્સને સીએમ રુપાણીએ આગામી સમયમાં આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીનું ટ્રેલ ગણાવ્યું છે. રુપાણીએ જણાવ્યું હતું કે માત્ર ગુજરાતમાં નહીં, દેશમાં જ્યાં પણ હાલમાં ચૂંટણી થઈ ત્યાં બધે ભાજપનો વિજય થઈ રહ્યો છે. રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આઠેઆઠ બેઠકો પર ભાજપ જીતની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં મતદાન થયું

ત્યાં મુસ્લિમ, પાટીદાર, કોળી, આદિવાસી એમ તમામ વર્ગોનો પ્રભાવ હતો. ભાજપ માટે જીત માત્ર જીત નહીં, પરંતુ કોંગ્રેસ કરતા ભાજપને ખૂબ જ વધુ મત પણ મળ્યા છે. અબડાસા જેવી બેઠક પર કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવારને વધારે મત મળ્યા છે. સ્થિતિ એ છે કે, ડાંગમાં ભાજપને ક્યારેય ના મળ્યા હોય તેટલા મત પ્રાપ્ત થયા છે. જેનો અર્થ એ છે કે, પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. આ ચૂંટણી કોંગ્રેસની કબર પર છેલ્લા ખીલ્લા સમાન સાબિત થઈ છે, તેમ રુપાણીએ જણાવ્યું હતું.

સીએમે કહ્યું હતું કે, આગામી સમયમાં આવી રહેલી પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી તેમજ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીનું આ ટ્રેલર છે. આ પેટાચૂંટણી ખૂબ જ નિર્ણાયક હતી, અને તેમાં પ્રજાએ ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી પક્ષ પ્રજાની અપેક્ષા પૂરી કરવા કટિબદ્ધ બનશે. તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં વોટિંગ થશે કે કેમ તેવા ઘણા પ્રશ્નો હતા, પરંતુ તેમાં મતદાન ભારે થયું અને લીડ પણ ભારે મળી છે.

૧૧૧ ધારાસભ્યોના મજબૂત સંખ્યાબળ સાથે મજબૂત સરકાર તરીકે પ્રજાનું કામ કરાશે. ભાજપમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે તેવા કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા રુપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર જૂઠ્ઠા આક્ષેપો કર્યા છે, અને પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.