Western Times News

Gujarati News

અતિરેકતા હાનિકર્તાને નોતરે છે

કોઈપણ વસ્તુનો અતિરેક એ માનવીને હાનિકારક બને છે પણ કોઈપણ કાર્ય મર્યાદાથી કરતાં કામમાં સફળતા મળે છે. કોઇપણ ચીજનો અતિરેક બહું સારો નહિ તથા શોભતો પણ નથી. અતિરેક એ ઝેર સમાન છે જેવી રીતે વધારે પડતું મીઠું કે વધારે પડતી સાકર કે વધું પડતું ધૂમ્રપાન ઝેર સમાન હોય છે તેવી જ રીતે કોઈપણ વસ્તુનો અતિરેક માનવીને વિનાશના પંથે લઈ જાય છે.

વધું પડતા લાડ લડાવવાથી છોરું કછોરું બની જાય છે તથા તે મોટો થતાં મા બાપની લાકડીનો ટેકો બનવાને બદલે લાકડી ઝૂંટવીને પટકવા સુધી પહોંચી જાય છે ત્યારે મા- બાપના જીવનની સંધ્યામાં ઝંઝાવાત થાય છે. વધું પડતો પૈસો અમુક માનવીને અભિમાની બનાવી દે છે ત્યારે એમ લાગે છે કે માણસ નથી બોલતો પણ પૈસો બોલે છે. વધું પડતો સંબંધ રાખવાથી કે વધારવાથી અપેક્ષાનો જન્મ થાય છે અને છેવટે કોઈક વખત સંબંધમાં કડવાશ પણ ઉભી થતાં સંબંધ બગાડવામાં કશું બાકી રહેતું નથી.

કોઈપણ વ્યક્તિ વધારે પડતું ચાલવાથી કે દોડવાથી અથવા બોલવાથી પોતાને ફાયદો મળવાને બદલે ગેરફાયદો જ મળે છે. ઘણી વખત વધું પડતું બોલવાથી રજનું ગજ થઈ જાય છે તથા નાની વસ્તુનું મોટું સ્વરૂપ અપાઈ જાય છે.
કુદરતમાં પણ અતિરેક થવાથી નુકસાન થતું રહે છે. અતિવૃષ્ટિ થતાં પાકને નુકસાન થાય છે તો અતિ ગરમી પડતાં ઘણાં માનવી અને જાનવરોને લૂ લાગવાથી મરી જાય છે તો અતિ ઠંડી પડતાં કે હિમવર્ષા કે ધરતીકંપની માત્રા વધતા માનવીઓ તથા જાનવરોની જાનહાની થતી હોય છે અને કેટલા ઘરો, ગાડીઓ અને માલ મિલ્કત વિનાશ પામે છે.

ઘણાં નેતાઓ પોતાના ભાષણોમાં અતિરેક કરી ભાષણ લંબાવતા જનતા કંટાળીને ઉભા થઈને ચાલવા માંડે છે. પરીક્ષા આપતાં પહેલાં વિદ્યાર્થીઓ વધું પડતાં ઉજાગરા કરી વાંચતા તેઓ પરીક્ષામાં ઉત્તરવહી બરાબર લખી ન શકતા નાપાસ થઈ શકે છે અથવા ઓછા ગુણથી પાસ થતાં કોલેજમાં પ્રવેશ મેળવવા ફાંફાં મારવા પડે છે.

કહે શ્રેણુ આજ…
ન કર અતિરેક તુજ કોઈ ચીજનો કદી
ન’કર હાનિકર્તા બની જાશે તુજ જીવન, ને નોતરશે ઘમસાણ.
વિનાશ સર્જાશે અગર કુદરતમાં થાશે અતિરેકતા ને જો માનવ કરશે અતિરેક તો પામશે ખુવારી..
હે માનવ બસ હવે બહું થઈ ગયું……. મર્યાદા માં રહો
કોઈપણ કામ અતિરેક કરવાથી અને તેની મર્યાદા ઓળંગવાથી પોતાને જ નુકસાન થાય છે.

પોતાની શક્તિ કરતા વધારે પડતું કામ કરવાથી થાક લાગતા તેની તબિયત પર અસર થાય છે તથા માનસિક તનાવથી પીડાય છે તથા શારીરિક પીડાથી પીડાય છે. વધું પડતી ઉંઘ કે ખોરાક મન થતાં શરીરને હાનિકારક બને છે. વધારે પડતી ક્રિકેટની મેચ રમાતા ટીમના ખેલાડીઓ પર માનસિક તથા શારીરિક પર અસર થતાં તે ટીમને કોઈ વખત હાર પણ સહન કરવી પડે છે. ઘણા લોકોને ખાવા પીવાનો વધારે પડતો શોખ હોવાથી તેઓ પોતાની જાત પર અંકુશ ન રાખી શકેતા તેમની તબિયત પર અસર થાય છે. કોઈપણ વસ્તુનો અતિરેક માનવીને હાનિકર્તા બને છે જેથી માનવીએ મર્યાદામાં રહીને જ જીવન ગુજારવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.