Western Times News

Gujarati News

કોરોના સામેની જંગમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક નિભાવી રહી છે મહત્વની ભૂમિકા

૫૦૦ થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું- કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

સિવિલ હોસ્પિટલના તબીબો, નિષ્ણાત તબીબો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ,સફાઇ કર્મીઓ, ટેકનિશિયનો, ખડે પગે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં ૨૪ કલાક તહેનાત છે.

આ લડતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક (I.H.B.T.) દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આ બ્લડ બેન્ક દ્વારા *થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ* ની પ્રક્રિયા હાથ ધરીને કોરોના ગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેવો અતિ ગંભીર સ્વાસ્થ્ય અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દર્દીઓને સાજા કરવાની, સ્વસ્થ કરવાની અતિમહત્વની ભૂમિકા નિભાવવામાં આવી રહી છે.

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કુલ ૫૦૫ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી ૩૯૮ પ્રક્રિયા I.H.B.T બ્લડ બેન્ક વિભાગમાં અને ૯૩ પ્રક્રિયા આઈ.સી.યુમાં જઈને,૧૪ પ્રક્રિયાઓ કોરોના ગ્રસ્ત દર્દીઓમાં કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ પ્રક્રિયા કરવામાં અંદાજે 10 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થતો હોય છે . જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી નારાયણને તદ્દન વિનામૂલ્યે સમગ્ર પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.પી.મોદી જણાવે છે કે “અમારા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કોરોના કાળ માં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં અમારી બ્લડ બેંકમાંથી ૫૮૦૦૦ થી વધારે બ્લડ બેન્કની જરૂરિયાત ધરાવતા દર્દીઓને બ્લડ પૂરું પાડવામાં આવ્યું છે. ૧૬૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને લોહીની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવી છે.”

તેઓ ઉમેરે છે કે સિવિલ હોસ્પિટલ અથવા અન્ય સ્થળે સારવાર લઈ રહેલા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે ૨૪ કલાક તે જરૂરિયાત સંતોષવા માટે અમારા હોસ્પિટલની બ્લડ બેન્ક સંકલ્પ બદ્ધ છે.

*શું છે થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા??*

આ પ્રક્રિયા દ્વારા દર્દીના રક્તમાં રહેલી અશુદ્ધિઓ ને દૂર કરી શુદ્ધ કરેલું રક્ત પાછું ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણા બધા રોગોમાં હાથ ધરી શકાય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે જીબીએસ (Guillian Barre Syndrome) રોગમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.આ રોગમાં દર્દી સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ જાય છે કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે પરંતુ આ પ્રક્રિયા ત્રણ થી પાંચ વખત કર્યા પછી સંતોષકારક પરિણામ મળે છે. દર્દી પોતાના પગે ચાલીને પાછો જઈ શકે છે અને આઈસીયુમાં દાખલ દર્દી પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. -અમિત સિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.