Western Times News

Gujarati News

બોપલ-ઘુમામાં ર૦રર થી નર્મદાના નીર સપ્લાય થશે

Files Photo

જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો થશે ઃ રીંગ રોડ સમાતંર નવા નેટવર્ક નાંખવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનીક ૧ર૦૦ એમ.એલ.ડી. શુધ્ધ પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહયો છે. તેમ છતાં અનેક વિસ્તારો હજી નર્મદાના પાણીથી વંચિત છે. ખાસ કરીને મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ર૦૦૬-૦૭માં સમાવિષ્ટ કેટલાક વિસ્તારો તેમજ તાજેતરમાં ભેળવાયેલા બોપલ-ઘુમા સહીતના વિસ્તારો હજી બોર પર આધારીત છે.

જે પૈકી ર૦૦૬-૦૭ના વિસ્તારોમાં ર૦ર૧ની સાલમાં નર્મદાના પાણી સપ્લાય થાય તેવી શક્યતા છે જયારે બોપલ-ઘુમાના નાગરીકોએ નર્મદાના પાણી માટે ર૦રર સુધી પ્રતિક્ષા કરવી પડશે.

મ્યુનિ. હદમાં નવા સમાવિષ્ટ વિસ્તારોના સંભવિત વપરાશને ધ્યાનમાં રાખી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના નવ પશ્ચિમ ઝોન વિસ્તારમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય થાય છે. જાસપુર પ્લાન્ટથી ઔડા દ્વારા બનાવવામાં આવેલ વૈષ્ણોદેવી સકુંલ પાસેની ટાંકી મારફતે નવા ઝોનના વિસ્તારમાં પાણી પુરવઠો થઈ રહયો છે.

પરંતુ તેના કારણે છેવાડા તથા અંતરીયાળ વિસ્તારોમાં પ્રેશરની સમસ્યા રહે છે. પાણીના અપુરતા પ્રેશરની સમસ્યા દુર કરવા માટે જાસપુરથી સરખેજ સુધી ડાયરેકટ પાણી સપ્લાય થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા હાલ ૪૦૦ એમ.એલ.ડી છે. જેમાં વધુ ર૦૦ એમ.એલ.ડી.નો વધારો કરી કુલ ૬૦૦ એમ.એલ.ડી. ક્ષમતા કરવામાં આવશે.

શહેરમાં નવ સમાવિષ્ટ બોપલ અને ઘુમા સહીતના વિસ્તારોને ધ્યાનમાં રાખી જાસપુરની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. બોપલ અને ઘુમા હાલ બોર આધારીત છે. ઔડા દ્વારા બોપલમાં ચાર વો. ડીસ્ટ્રી સેન્ટર માટે કામ શરૂ કરવામાં આવ્યા છે. જેના માટે રૂા.૮૦ કરોડનો ખર્ચ થશે.

ચાર વો.ડી. સ્ટેશનના કામ પુર્ણ થયા બાદ બોપલમાં નર્મદાના પાણી સપ્લાય થશે. જાસપુરમાંથી ૪૦૦ એમ.એલ.ડી. સામે દૈનિક ૩પ૦ એમ.એલ.ડી. પાણી સપ્લાય થાય છે. તેથી પ૦ એમ.એલ.ડી. જથ્થો સ્ટોકમાં રહે છે જે બોપલમાં સપ્લાય થઈ શકે તેમ છે. પરંતુ બોપલમાં વોટર સ્ટોરેજની સુવિધા ન હોવાથી નવા વો.ડી. સ્ટેશન તૈયાર થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરવાની રહેશે.

નવા પશ્ચિમ ઝોનના વિસ્તારમાં દસ જેટલા વો.ડી. સ્ટેશન તૈયાર થઈ રહયા છે. નગરપાલિકા કે ગ્રામ પંચાયત સમયથી બોર પર આધારીત વિસ્તારોમાં નર્મદાના પાણી સપ્લાય થઈ શકે તે માટે ગોતા, સોલા ભાગવત, રાજપથ કલબ પાછળ, બળિયાદેવ (સરખેજ) વાસણા એપીએમસી, મકરબા ગામ, ઓગણજ, ભાડજ તથા એચ.બી. કાપડીયા સ્કુલની બાજુમાં નવા વોટર ડીસ્ટ્રી સેન્ટરતૈયાર થશે જે કાર્યરત થયા બાદ આ વિસ્તારોમાં અપુરતા પ્રેશરની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે.

મ્યુનિ. વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા આગામી દાયકાની જરૂરીયાતને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવી રહયુ છે.

નવા ઝોનના વિસ્તારોમાં ર૦૩૦ની સાલની સંભવિત જરૂરીયાતને ધ્યાનમાં લઈને જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહયો છે તદ્‌પરાંત નવા નેટવર્ક માટે આયોજન કરવામાં આવ્યુ છે

જેના માટે કુલ રૂા.૧પ૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. હાલ એસ.પી. રીંગ રોડ સમાંતર વિસ્તારો નર્મદાના નીરથી વંચિત છે. જે પૈકી ઓગણજ, વાડજ, શીલજ અને હેબતપુરમાં નવા નેટવર્કના કામ ચાલી રહયા છે. શીલજમાં કામ લગભગ પુર્ણ થવા આવ્યુ છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.