Western Times News

Gujarati News

શાળા છે ત્યાં વિદ્યાર્થીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓ છે ત્યાં શાળા….શેરી શાળાના માધ્યમથી શિક્ષણની જ્યોત

સાકરીયા પ્રાથમીક શાળાની પહેલ 

કોરોના વાયરસની મહામારીના કારણે શાળા કોલેજોમાં શિક્ષણ બંધ છે, જેને પગલે ઓનલાઇન એજ્યુકેશન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે, એવા અનેક વિદ્યાર્થી છે. જેમના ઘરમાં ટીવી કે મોબાઇલ નથી. આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શ્રમદાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ વિદ્યાર્થીના ઘરે જઇ અભ્યાસ કરાવવા ઉપરાંત કોરોના વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની પણ જાગૃતિ ફેલાવી રહ્યાં છે. સાકરીયા સ્કૂલના શિક્ષકોએ શેરી શાળા થકી   એક અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓ રહેતા હોય તેમના વિસ્તારમાં પહોંચી  અભ્યાસથી કોઈ બાળક વંચીત રહી ન જાય તે માટે તેમની શેરીમાં જ અભ્યાસ કરાવી “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ની યુક્તિને સાર્થક કરી રહ્યા છે

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી સરકાર હજુ પણ શાળાઓ ખોલવી કે નહીં તે અંગે બેઠકો પર બેઠકો અને નિષ્ણતોના અભિપ્રાય પછી પણ અવઢવમાં છે હજુ પણ શાળાઓમાં ટીવી, મોબાઈલ, યુટ્યુબ , વરચુઅલ કલાસ જેવા ઓનલાઈન માધ્યમો દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.

સાકરીયા પ્રાથમીક શાળાના શિક્ષકો સાકરીયા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની શેરીઓમાં પહોંચી અભ્યાસ કરાવી રહ્યા હોવાની સાથે  બાળકોને આ શિક્ષણકાર્ય મેળવ્યા બાદ પડતી મુશ્કેલીના નિવારણ માટે અનોખા સ્વૈચ્છિક સમયદાનના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

શેરી શાળા શાળા સમય બાદ દરરોજ બે કલાક બાળકોના ઘરે ઘરે જઈ બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપી શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે. આ સાથે ગામના વાલીઓને પણ કોરોના જનજાગૃતિ અંતર્ગત કોવિડ માર્ગદર્શિકા અનુસાર માસ્ક, હાથ ધોવાની પ્રક્રિયા અને સોશિયલ ડિસ્ટન્સની જાણકારી આપી કોરોના વોરીયર્સની કામગીરી સુપેરે બજાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.