Western Times News

Gujarati News

રીવરફ્રન્ટમાં નકલી પોલીસે યુગલને લાફા ઝીંકી અડધો કલાક બાનમાં લીધા!

ગભરાયેલા યુગલે પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસ ચોંકીઃત્રણ શખ્સોની શોધખોળ શરૂ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદની શાન સમા રીવરફ્રન્ટ વિસ્તારને બટ્ટો લગાવતી ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. કપલના વિડીયો ઉતારવા કે તેમની સાથે મારઝુડ કરી રૂપિયા પડાવવા જેવા કિસ્સાઓ બની રહ્યા છે. તદુપરાંત નકલી પોલીસ બનીને રાહદારીઓ તથા કપલને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવવાની ફરીયાદો પણ નોંધાય છે ત્યારે ગઈકાલે ગાર્ડનમાં બેઠેલા એક કપલને બાઈક પર આવેલા કેટલાંક શખ્સોએ માર મારી કેટલાંય સમય સુધી ગેરકાયદેસર રીતે રોકી રખાતા ગભરાઈ ગયેલા યુગલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા અનુસાર હિમાંશુ હરિશચંદ્ર (રપ) વાસણા ખાતે રહે છે. તે મૂળ રાજસ્થાનનો છે અને અહિંયા નોકરી કરીને ગુજરાન ચલાવે છે.  ગઈકાલે સાંજે નોકરી પરથી પરત ફર્યા બાદ સહકર્મી પલક વૈષ્ણવ (પ્રતાપકુંજ સોસાયટી, વાસણા) સાથે સાડા ચાર વાગ્યાની આસપાસ દધીચી બ્રિજ નજીક રીવરફ્રન્ટની પાળી પર બેઠા હતા. બંન્ને વાતોમાં મશગુલ હતા એ સમયે એક એક્ટીવા પર બે ઈસમો આવીને ગુજરાતીમાં ધમકાવવા લાગ્યા હતા. જા કે હિમાંશુને ગુજરાતી ભાષા ન આવતી હોઈ તેને સમજ પડી નહોતી.

બાદમાં બે શખ્સોએ જબરજસ્તીથી હિંમાંશુ અને પલકની બેગ ચેક કરી હતી. અને ગાળો બોલીને હિંમાંશુને લાફા મારીને ધમકાવ્યો હતો.
ઉપરાંત યુવાનને ત્યાંથી જતાં અટકાવ્યા હતા. અને અડધો કલાક સુધી રોકી રાખ્યા હતા. જેના કારણે બંન્ને ગભરાઈ ગયા હતા. એ દરમ્યાન એક અન્ય ઈસમ પણ બાઈક પર આવ્યો હતો. થોડીવાર સુધી ભયનો માહોલ બનાવીને ત્રણેય ત્યાંથી ભાગી છુટ્યા હતા.

જેને પરિણામે ડરી ગયેલા હિમાંશુ તથા પલક રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરીયાદ મળતાં જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને ત્રણેય ઈસમોની શોધખોળ હાથ ધરી હતી. નોંધનીય છે કે કેટલાંક શખ્સો નકલી પોલીસ બનીને રીવરફ્રન્ટમાં બેઠેલા એકલ-દોકલ વ્યક્તિઅો ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતા હોવાનો બનાવો તાજેતરમાં સામે આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.