Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજયભરમાં ભારે વરસાદને પગલે એલર્ટ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે : અમદાવાદમાં મધરાતથી ધીમીધારે વરસાદ : બપોર બાદ ભારે વરસાદની આગાહી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં મધરાતથી શરૂ થયેલા વરસાદના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે હવામાન વિભાગે સમગ્ર રાજયમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરેલી છે અને તે મુજબ કાલ રાતથી જ શરૂ થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે આપેલા એલર્ટના પગલે મ્યુનિ. તંત્ર સજ્જ થઈ ગયુ છે.

શહેરમાં અવિરતપણે પડી રહેલા ધીમીધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજીબાજુ રસ્તાઓ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે. આજે બપોર બાદ વરસાદનું જાર વધે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા ઝાપટા પડતા હતા જેના પરિણામે અસહ્ય બાફથી નાગરિકો પરેશાન થઈ ગયા હતા હવામાન વિભાગે ગુજરાત રાજયમાં તા.૮મીથી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી અને મુજબ ગઈકાલ રાતથી અમદાવાદ શહેરમાં વરસાદ પડવાનો શરૂ થયો છે.

અમદાવાદ શહેર ઉપર કાળા ડીંબાગ વાદળો છવાયેલા છે અને તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહયો છે. બીજીબાજુ મહારાષ્ટ્રના હથનુર ડેમના તમામ ૪૧ દરવાજા ખોલી નાંખવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી આજ સાંજ સુધીમાં વધી જશે. જેના પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદ ઉપરાંત સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહયો છે અમદાવાદ શહેરમાં શરૂ થયેલા વરસાદના પગલે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે જાકે સમગ્ર રાજયમાં વરસાદ પડતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે હજુ પણ બે દિવસ સુધી રાજયમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધરાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જેના પરિણામે અનેક ડેમો છલકાઈ ગયા છે અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજયના તમામ મોટા ડેમો પણ છલકાવાની તૈયારીમાં છે. રાજયનું હવામાન વિભાગ સતત નિરીક્ષણ કરી રહયું છે બીજીબાજુ મધ્ય, ઉત્તર અને દ.ગુજરાતમાં તમામ જિલ્લા પ્રશાસન તંત્રોને એલર્ટ કરી દેવાયા છે.

અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આપેલા એલર્ટના પગલે સંબંધિત વિભાગોના તમામ અધિકારીઓને સતર્ક કરી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.