Western Times News

Gujarati News

૧૧મી જાન્યુ.થી ધોરણ-૧૦ અને ૧૨ શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : ચુડાસમા

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં  આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા  બાદ  રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને  લાગુ પડશે.  શાળા કોલેજો એ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે તેમ શ્રી ચુડાસમા એ કહ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકશ્રીઓએ  અધિકારીશ્રીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્યશ્રી અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે.

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં.શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે એમ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું ઉપરાંત હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ તેમણે કહ્યું હતું

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં તેમ શિક્ષણ મંત્રીશ્રી એ સ્પષ્ટ પણે કહ્યું હતું. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું

અન્ય  ધોરણ ના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને  તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે એમ પણ શ્રી ચુડાસમા એ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.