ઉત્તર ગુજરાતમાં અંદાજ સામે ફક્ત ૧૨.૬૨ ટકા ઉનાળુ વાવેતર

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં ચાલુ ઉનાળુ સીઝનમાં ૪.૦૫ લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થવાના અંદાજ સામે ચાર સપ્તાહના અંતે ૫૧ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. બીજી બાજુ ૧૩૭૨ હેક્ટરમાં બાગાયતી ફળ પાકોનું વાવેતર થયું છે.
જેમાં ૮૩૯ હેક્ટરમાં તરબૂચ અને ૫૩૩ હેક્ટરમાં અન્ય ફળ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. ચાર સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતમાં અંદાજ સામે ૧૨.૬૨% વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. પાંચ જિલ્લામાં ઉનાળુ વાવેતરની સ્થિતિ જોઈએ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૪૯.૧૫% વિસ્તારમાં વાવણી થઇ છે.
જ્યારે સૌથી ઓછુ ૬.૮૯% વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું છે. મહેસાણા જિલ્લામાં શિયાળુ સીઝનના વાવેતરની સીઝન પૂર્ણ થઈ છે. ચાલુ વર્ષે ૧.૮૦ લાખ હેક્ટરમાં વાવેતરના અંદાજ સામે ૧.૮૫ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર થયું હતું.
એટલેકે, અનુમાન કરતાં ૨.૫૫% વધુ વાવેતર થયું હતું. અને અત્યારે ઉનાળું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળુ સીઝનમાં ૪.૦૫ લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થવાના અંદાજ સામે ચાર સપ્તાહના અંતે ૫૧ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. મહેસાણા જિલ્લામાં ૨૨.૧૨%વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
પાટણ જિલ્લામાં ૩૧.૮૮ %, મહેસાણા જિલ્લામાં ૨૨.૧૨ % અને અરવલ્લી જિલ્લામાં ૧૩.૭૧% વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. ૫૧૧૪૭ હેક્ટરમાં થયેલા વાવેતરમાં પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો, સૌથી વધુ ૨૧૮૭૫ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.
આ ઉપરાંત, ૧૭૩૫૭ હેક્ટરમાં બાજરી, ૪૬૦૫ હેક્ટરમાં મગફળી, ૪૬૦૫ હેક્ટરમાં શાકભાજી, ૫૮૬ હેક્ટરમાં મકાઈ, ૨૬૫ હેક્ટરમાં મગ, ૨૨૫ હેક્ટરમાં તલ, ૧૨૫ હેક્ટરમાં ડાંગર, ૬૮ હેક્ટરમાં ગુવારગમ, ૧૨ હેક્ટરમાં અડદ, ૩ હેક્ટરમાં ડુંગળી, ૧૪૨૧ હેક્ટરમાં અન્ય પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.SS1MS