અમદાવાદમાં ત્રણ મહિનામાં 141 કી.મી.ના રોડ રીસરફેસના કામ પૂર્ણ કરવાની સૂચના
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા અને રોડ રીસરફેસની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા પહેલા જૂન મહિના સુધીમાં શહેરમાં ૧૮૨ જેટલા ૧,૪૧,૧૫૬ મીટરના રોડની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
હોળી બાદ મજૂરો પરત ફરતા હવે તમામ પેવર ફરી શરૂ કરવામાં આવ્યા છે. સૌથી વધારે દક્ષિણ ઝોનમાં મણીનગર, વટવા, ઇસનપુર, લાંભા, નારોલ, ખોખરા સહિતના વિસ્તારોમાં ૨૯ જેટલા રોડની કામગીરી કરવામાં આવશે. ચોમાસા પહેલા રોડની કામગીરી પૂર્ણ કરાશે
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા અને રોડ રીસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. તમામ પેવર શરૂ કરી રોડની કામગીરી કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. ચોમાસા પહેલા રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
તમામ વિસ્તારોમાં રોડની કામગીરી ઝડપી પૂર્ણ થશે. હોળી-ધૂળેટીના તહેવારો ઉજવવા વતન જતાં રહેલાં શ્રમજીવીઓ પરત ફરતાં શહેરમાં રોડ રિસરફેસની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. મ્યુનિ. ઇજનેર વિભાગના સૂત્રો મુજબ બાદ રોડ રિસરફેસની કામગીરીમાં વધારો થયો છે. વિવિધ વિસ્તારમાં રોડના વાઇડનીંગ, બેઝવર્ક અને રિસરફેસ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
રોડ પ્રોજેક્ટ દ્વારા વિવિધ જગ્યાએ ૫૮ જેટલા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ ૧૮૨ રોડમાંથી ૧૦થી ૧૫ જેટલા રોડમાં પાણી અને ગટરની લાઈનોના કારણે રોડની કામગીરી અધૂરી રહી છે. ૪૦ ટકા રોડ હાલમાં બની રહ્યા છે. ૨૦ ટકાથી વધુ રોડના કામોના અંદાજ હજી કરવાના બાકી છે, જ્યારે ૪૦ ટકા રોડની કામગીરી પૂર્ણ અથવા તો પૂર્ણ થવાની તૈયારીમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા તૈયાર કરવામાં આવેલી બ્લ્યુ પ્રિન્ટ મુજબ ત્રણ મહિનામાં કુલ ૧૪૧ કિલોમીટર લંબાઈના રોડ કામ કરવામાં આવશે. જે પૈકી ઉ.પ.ઝોનમાં ૨૨, પશ્ચિમમાં ૨૧, દ.પશ્ચિમ માં ૧૨, ઉતરમાં ૧૫, દક્ષિણમાં ૨૯, મધ્યમાં ૧૧, પૂર્વઝોનમાં ૧૪ અને રોડ પ્રોજેક્ટ વિભાગ ઘ્વારા ૫૮ રોડના કામ કરવામાં આવશે. ત્રણ મહિનામાં રોડ પ્રોજેક્ટ વિભાગ ઘ્વારા કુલ ૭૬ કિલોમીટરના રોડ કામ થશે. જયારે એપ્રિલમાં અંદાજે ૩૯ અને મે મહિનામાં ૪૨ કિલોમીટરના કામ થશે.