પાકે. કાશ્મીરનો મુદ્દો ઊઠાવતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો
(એજન્સી)નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા પરની ચર્ચા દરમિયાન પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહોતુ આવ્યું. તેમણે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને યુએનજીએમાં વોટિંગની ચર્ચા થઈ રહી હતી.
આ દરમિયાન પોતાના ખુલાસામાં પાકિસ્તાની રાજદ્વારી મુનીર અકરમ સતત કાશ્મીરની સ્થિતિ સાથે રસિયા-યુક્રેન યુદ્ધની તુલના કરી રહ્યા હતા. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમે જાેયું કે, આશ્ચર્યજનક રીતે ફરી એક વખત એક પ્રતિનિધિ મંડળ દ્વારા મંચનો દુરૂપયોગ કરવા અને મારા દેશ વિરુદ્ધ બેકાર અને વ્યર્થ ટિપ્પણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કંબોજે કહ્યું કે પાકિસ્તાન આવા નિવેદન પછી સામૂહિક તિરસ્કારને પાત્ર છે કારણ કે તે વારંવાર જુઠ્ઠું બોલી રહ્યું છે. કંબોજે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. અમે પાકિસ્તાનને સીમાપારનો આતંકવાદ રોકવા માટે કહીએ છીએ જેથી કરીને અમારા નાગરિકોના જીવનની સુરક્ષા થાય અને તેઓ સ્વતંત્રતાના અધિકારનો આનંદ માણી શકે.
આ પહેલા યુએનજીએમાં યુક્રેનના ચાર પ્રદેશો પરના રશિયન કબજાની નિંદા કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ૧૪૩ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં જ્યારે પાંચ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત કુલ ૩૫ દેશો આ પ્રસ્તાવથી દૂર રહ્યા હતા. જાેકે, ભારતે બુધવારે યુક્રેનમાં વધતા સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.