પાર્થ શાહે વર્ચ્યુઅલ કલાસીસનાં માધ્યમથી સીએ ઈન્ટરમિડીયેટમાં ૧૫મો રેન્ક પ્રાપ્ત કર્યો

સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષાના પરિણામો જાહેર-સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં ટોચના ૫૦ રેન્કરોમાં અમદાવાદ શહેરનાં ચાર વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું
અમદાવાદ, ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે, ૨૦૨૨માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ઈન્ટરમિડીયેટની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. મે, ૨૦૨૨માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં ટોચના ૫૦ રેન્કરોમાં અમદાવાદનાં ચાર વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મે ૨૦૨૨માં યોજાયેલી ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૬૨૨ વિદ્યાર્થીઓએ બન્ને ગૃપ માટે પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૫ વિદ્યાર્થીઓ બંન્ને ગૃપમાં પાસ થયા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રુપ ૧માં ૧૨૪૪ વિદ્યાર્થીઓમાંથી ૧૩૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૧૦.૯૩ ટકા છે. ગ્રુપ ૨માં ૧૨૬૮ વિદ્યાર્થીઓમાંથી ૧૯૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૧૫.૪૪ ટકા છે.
સીએ બિશન શાહે અમદાવાદ કેન્દ્રમાંથી ટોચનાં ૫૦માં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ અંગે પણ જાણકારી આપી હતી. અમદાવાદ કેન્દ્રમાંથી પાર્થ શાહને ૧૫મું, પ્રિયલ પ્રમોદ જૈનનું ૪૧મું સ્થાન મળ્યું છે. ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં અમદાવાદનાં દેવ મનીષ ભંડારીને ૪૭મું સ્થાન અને સાગરભાઈ જાેધાભાઈ દેસાઈને ૫૦મું સ્થાન મળ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈન્સ્ટિટ્યુટ દ્વારા વર્ચ્યુઅલ કલાસીસનાં માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પણ તેનો ફાયદો થયો છે. દેશમાં ૧૫મું સ્થાન મેળવનારા પાર્થ શાહ વર્ચ્યુઅલ કલાસીસનાં માધ્યમથી સમગ્ર દેશમાં ૧૫મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, જે અમદાવાદ ચેપ્ટર માટે અત્યંત ગૌરવની વાત છે.
આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ ચેતન જગતીયા અને સીએ રિન્કેશ શાહનો સમાવેશ થાય છે.