સ્પોર્ટ્સ સંકુલ ખાતે અંદાજિત રૂ. ૧૪.૧૪ કરોડનાં ખર્ચે ૨૦૦ ખેલાડીઓના નિવાસ માટેનું પણ આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાના રમતવીરોને આપી સ્પોર્ટ્સ સંકુલની રૂ. ૧૦ કરોડની ભેટ
વ્યારાનું સ્પોર્ટ્સ સંકુલ દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ માટે રમતગમતનો શ્રેષ્ઠ મંચ સાબિત થશે
૭ એકરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ રમશે આઉટડોર–ઇન્ડોર સહિત કુલ ૧૭ રમતો
*માહિતી બ્યુરો, તાપી. તા.૨૫* :- તાપી જિલ્લામાં થનારી 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લાના નાગરિકો માટે અનેકવિધ ભેટ સોગાદ મળી રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના યુવાનો, રમતપ્રેમીઓ-રમતવીરો માટે વ્યારા મથકે રૂ. ૧૦ કરોડના ખર્ચે અને આશરે ૭ એકરમાં નિર્માણ પામેલા જિલ્લા રમત સંકુલની વધુ એક ભેટ આપી છે.
રમતવીરોને પ્રોત્સાહિત કરવા અને તેમની ખેલપ્રતિભાને નિખારવાના મુખ્ય આશય સાથે અદ્યતન સુવિધાયુક્ત સ્પોર્ટ્સ સંકુલમાં ૨૦૦ મીટરની એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે વિગત આપતા જણાવ્યું હતું કે, સ્પોર્ટ સંકુલ ખાતે રૂ. ૧૪.૧૪ કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહેલી સ્પોર્ટસ હોસ્ટેલ ૨૦૦ ખેલાડીઓના નિવાસ માટે આગામી ૬ (છ) માસમાં પૂર્ણ કરવાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરાયું છે. આ સ્પોર્ટસ સંકુલમાં ઇન્ડોર-આઉટડોર મળી કુલ ૧૭ રમતો સંપૂર્ણ અદ્યતન સાધન સામગ્રીની સુવિધા સહિત તાપી જિલ્લાના ખેલાડીઓને મળશે.
પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લાના આદિવાસી સમુદાય ખેતી-પશુપાલન પર નિર્ભર છે, ત્યારે અહીંના બાળકો શિક્ષણની સાથે રમતક્ષેત્રે પણ પોતાની પ્રતિભાનો પરિચય આપે તે માટે સ્પોર્ટ્સ સંકુલના માધ્યમથી એક શ્રેષ્ઠ મંચ પુરુ પાડવામાં આવી રહ્યું છે. જેમાં ઇન્ડોર રમતો જેવી કે ૧૦ મીટર શુટિંગ રેન્જ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, જુડો, ટેબલ ટેનિસ, વોલિબોલ, યોગ, ચેસ, વેટલિફટ વગેરે તથા આઉટડોર ગ્રાઉન્ડ જેવા કે વોલિબોલ, ખો ખો, કબડ્ડી, બાસ્કેટબોલ કોર્ટ, અને ટેનિસ કોર્ટ રમતો રમવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
રમત ગમત ક્ષેત્ર આજે દેશનું સૌથી જીવંત ક્ષેત્ર છે. ત્યારે તાપી જિલ્લાના ખેલાડીઓ ખેલક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને નવા આયામો પ્રસ્થાપિત કરશે, જે તાપી જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવશે.
એથ્લેટિક્સમાં અગ્રેસર કિંજલબેન વાઘમારે
વ્યારા સ્થિત ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ-DLSS માં એથ્લેટિક્સની ખેલાડી વાઘમારે કિંજલે નવા સ્પોર્ટસ સંકુલ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં તમામ સુવિધાઓ સાથેનું રમત ગમત સંકુલ બન્યુ છે. પહેલા અમે માટીના ટ્રેક ઉપર તાલીમ અને પ્રેક્ટીસ કરતા હતા.
હવે આ સંકુલમાં પ્રોફેશનલ ટ્રેક ઉપર પ્રેકટીસ કરીશું. જેનાથી અમને રાજ્ય અને રાષ્ટ્ર સ્તરની રમતોના જેવો જ માહોલ સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે. અમારો આત્મવિશ્વાસ વધશે. થશે અને અમે વધારે સારૂ પ્રદર્શન કરી શકીશું. અમે આવનાર ઓલિમ્પીક્સમાં પણ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી મેડલ મેળવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું.
ખો–ખો ની ખેલાડી પૂજાએ ખેલથી સૌને કર્યા પ્રભાવિત
વ્યારાની દીકરી પૂજા પ્રકાશભાઈ ગામીત પણ છેલ્લા છ વર્ષથી ખો-ખો રમત સાથે સંકળાયેલી છે, તેણે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, મેં રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે. હું હાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારામાં અભ્યાસ કરી રહી છું.
શિક્ષણની સાથે સ્પોર્ટ્સમાં પણ હું સતત મહેનત કરું છું, વ્યારામાં સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે, તે મારા અને મારા જેવા રમતવીરો માટે ખૂબ આનંદની બાબત છે. આ સ્પોર્ટ્સ સંકુલ માત્ર વ્યારા જ નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતવીરો માટે પોતાની પ્રતિભાનો પરિચય આપવા માટે શ્રેષ્ઠ મંચ પ્રદાન કરશે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યની પ્રથમ ડિસ્ટ્ર્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપી જિલ્લાના વ્યારા ખાતે ૨૦૧૪ માં શરૂ કરાઈ હતી. હાલ અહીં, કબડ્ડી, ખો ખો, રાઇફલ શૂટીંગ, એથ્લેટિક્સ, ટેકવાન્ડો જેવી રમતોની તાલીમ અપાઈ રહી છે. અહીં તાલીમબદ્ધ ખેલાડીઓએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલમંચ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તાપી સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.