Western Times News

Gujarati News

દિલ્હીમાં પ્રવેશતા સોનમ વાંગચુક સહિત ૧૩૦ની પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ૭૦૦ કિમી લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્રવેશવા જઇ જ રહ્યા હતા કે તુરંત જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વાંગચુકની સાથે અન્ય ૧૩૦ લોકોની પણ પોલીસે ધરપકડ કરીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવી દીધા હતા.

આ તમામ લોકો લદ્દાખથી દિલ્હી પહોંચ્યા હતા. આ ધરપકડને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે સોનમ વાંગચુકજી પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્વક માર્ચ કરી રહ્યા હતા તેમની અને અનેક લદ્દાખવાસીઓની ધરપકડ સ્વીકાર્ય નથી.

લદ્દાખના ભવિષ્ય માટે અવાજ ઉઠાવનારા વડીલોની દિલ્હીની સરહદે કેમ ધરપકડ કરવામાં આવી? મોદીજી ખેડૂતોની જેમ આ ચંક્રવ્યૂહ પણ ટુટશે અને તમારો અહંકાર પણ ટુટશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

સોનમ વાંગચુક ૧૩૦ લોકોની સાથે દિલ્હી તરફ કુચ કરી રહ્યા હતા, આ દરમિયાન દિલ્હીની સિંઘુ બોર્ડર પરથી જ તેમની અને અન્ય તમામ લદ્દાખવાસી માર્ચકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ લોકો ૭૦૦ કિમી પગપાળા ચાલીને દિલ્હી પહોંચ્યા હતા.

ધરપકડ કરાયેલા તમામ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લઇ જવામાં આવ્યા છે. વાંગચુકે ધરપકડ પહેલા એક ટ્‌વીટ કરતા કહ્યું હતું કે મારી અને મારા ૧૩૦ સાથીઓની અટકાયત કરાઇ રહી છે, પોલીસે અમારી સામે કાર્યવાહી માટે ૧૦૦૦ જેટલા જવાનોને ખડકી દીધા છે.

અમારી સાથે વૃદ્ધો અને મહિલાઓ પણ છે જેમની ઉંમર ૮૦ વર્ષની આસપાસ છે. અમે શાંતિપૂર્વક બાપુની સમાધી સુધી જવા માગતા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આવુ થયું, હે રામ. સોનમ વાંગચુક અગાઉ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા સહિતની વિવિધ માગણીઓ સાથે અનેક દિવસના ઉપવાસ કરી ચુક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.