વડોદરામાં ૫૦૦ અસામાજિક તત્વોની પોલીસ દ્વારા અટકાયત

વડોદરા, રાજ્ય પોલીસવડાએ ગુંડા તત્વો સામે ઝુંબેશ ચલાવવા માટે આદેશ આપ્યા બાદ વડોદરા સહિત મધ્યગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ તથા નર્મદા જિલ્લાની પોલીસે ગઈ કાલે રાત્રે તમામ વિસ્તારોમાં એક સાથે અસામાજિક તત્વો ઉપર સપાટો બોલાવ્યો હતો.અમદાવાદમાં સશસ્ત્ર હુમલાખોરોએ ખોફ પેદા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ આવા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જેને પગલે ગઈકાલે રાત્રે વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. પોલીસે ૫૦૦ જેટલા અસામાજિક તત્વો તેમજ ગુનાઈત ભૂતકાળ ધરાવતા તત્વોને અટકમાં લીધા હતા.
૪૩૬ વાહનો ચેક કર્યા હતા જ્યારે, ૫૫ વાહનો ડીટેઇન કર્યા હતા. છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી એ જણાવ્યું હતું, કે ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વોની યાદી જાહેર કરી તેઓને બોલાવી ચુચના આપવામાં આવી છે કે કાયદોને વ્યવસ્થા કોઈ પણ હિસાબે હાથમાં લેવી નહીં અને જો હાથમાં લેશે તો તેમની ઉપર કડક કાયદાકીય પગલા નો સામનો કરવો પડશે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં વિશેષ અભિયાન શરૂ કરાયું છે. શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, પાનોલી અને જીઆઇડીસી પોલીસ મથકના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.અંકલેશ્વર ડી.વાય.એસ.પી. ડો. કુશલ ઓઝાના નેતૃત્વમાં પાંચ પોલીસ મથકના પી.આઈ.ની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે ગુનાઇત ભુતકાળ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરી છે. ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
પોલીસની આ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે.તો પોલીસ દ્વારા આ દરમિયાન તમામ ૫ પોલીસ મથક ના માથાભારે તત્વો, હિસ્ટ્રીશીટર, ચોર, આર્મ એક્ટ, નશાખોરી ના વેપલા સંચાલકો, વારંવાર મારામારી, લૂંટ સહીત વિવિધ ગુનામાં સંડોવાયેલ આરોપીને રાઉન્ડઅપ કર્યા બાદ તેમના એક લિસ્ટ પણ તૈયાર કર્યું હતું.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેની સુચના મુજબ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમને રૂબરૂ બોલાવી જે તે પોલીસ અધિકારીઓ દ્વારા એમને ફરીથી કોઈ ગુનો ન કરવા અને જો ફરીથી સુલેહ શાંતિ ભંગ થાય એવો કોઈ ગુનો આચરશે તો જાહેરમાં એમની સરભરા કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
તો બીજી બાજુ નર્મદા પોલીસ દ્વારા જિલ્લાની રાજપીપળા જેલનું સરપ્રાઈઝ ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.તાજેતરમાં જ જામીન પર મુક્ત થયેલ આરોપીઓની યાદી મેળવી એવા આરોપીઓ પર વોચ રાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.SS1MS