‘પ્રવાસી ગુજરાતી પર્વ’: 40 દેશો અને ભારતના 20 રાજ્યોમાંથી ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
વિદેશોમાંથી દ્વિતીય પ્રવાસી ગુજરાતી પર્વમાં પધારેલા ભારતીયો જન્મભૂમિ માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે
AIANA અને TV9 ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ની બીજી આવૃત્તિનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો.
પ્રવાસી ગુજરાતી પર્વની દ્વિતીય આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત દેશ સ્વરાજયમાંથી સુરાજ્ય તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને લોકકલ્યાણની યોજનાઓના સુચારું અમલીકરણ થકી આજે દેશ દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને ભારતના વિકાસ અંગે વધુમાં જણાવ્યું કે, ભારતે સફળતાપૂર્વક G20 સમિટની યજમાની કરીને ભારતીય સંસ્કૃતિ અને વિકાસનું નિદર્શન વિશ્વ સમક્ષ કર્યું. કોવિડના કપરાં સમયગાળામાં સ્વદેશી રસી હોય કે અન્ય કોઈપણ વિકાસની બાબત હોય, આજે ભારત સતત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ગુજરાતીઓને સંબોધતા જણાવ્યું કે, આજે વિદેશોમાંથી ભારત પધારતા ભારતીયો દેશના વિકાસને જોઇને ગૌરવની લાગણી અનુભવે છે. આજે પ્રવાસી ગુરતી પર્વમાં અહીંયા પધારેલા પ્રવાસી ગુજરાતીઓએ જન્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રસ્થાપિત કર્યો છે.
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે 1,42,000 આવાસોનું દેશભરમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી પણ વિકાસની મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે. ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે અમદાવાદનું રિવરફ્રન્ટ, ગ્રીન હાઈડ્રોજન સાથે નેટ ઝીરો કાર્બન એમિશન તરફ આગળ વધતું ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસિત બની રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને રણોત્સવ અંગે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2003માં તત્કાલી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આ સમિટ એક ગ્લોબલ સમિટ બની ગઈ છે. વર્ષ 2006માં કચ્છના રણોત્સવ અંગે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે દેશ-વિદેશના લોકો આ રણોત્સવને માણવા આવશે. આજે તેમની આ વાત સાચી સાબિત થઈ છે. કચ્છના ધોરડોને તાજેતરમાં UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ’ની ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.
દ્વિતીય પ્રવાસી ગુજરાતી પર્વના આયોજન માટે આયોજકોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસી ગુજરાતીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારત@2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાનો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ફિજીના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી શ્રી બિમન પ્રસાદે આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યુ કે તેમની રાજકીય પાર્ટીના પ્રસ્થાપક શ્રી એ. ડી. પટેલ પણ ગુજરાતી હતા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાન નેતાઓ ગુજરાતીઓ છે તેમ ફિજી દેશમાં પણ ગુજરાતી લોકોનું અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન રહ્યું છે.
ફિજી દેશમાં અભ્યાસ માટે પ્રચલિત મહાત્મા ગાંધી પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. ફિજીમાં ગુજરાતી સમાજે શાળા અને વિશ્વવિદ્યાલયોનું મોટાપાયે નિર્માણ કરીને શિક્ષણ અને વેપાર ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન આપતું આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
ફિજીના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રીશ્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ફિજીની મુલાકાત બાદ ભારત અને ફિજીના સંબંધો ઘનિષ્ઠ બન્યા છે. ભારતમાંથી પધારતા વિવિધ પ્રતિનિધિઓ પણ ફિજીની મુલાકાત લઈ ચૂક્યા છે. સાથે જ, તેમણે ગુજરાતના વેપારીઓને ફિજીમાં ઇન્વેસ્ટ કરવા માટે આમંત્રિત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા ગુજરાત અને ફિજીના સંબંધો ભવિષ્યમાં વધારે ગાઢ થશે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. સાથે જ, તેમણે ગુજરાતની મહેમાનગતિ અને આગતા-સ્વાગતાને પણ બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, તા. 10 અને 11 ફેબ્રુઆરી, 2024 દરમિયાન યોજાનારા પ્રવાસી ગુજરાતી કાર્યક્રમના વિવિધ સત્રોમાં અલગ અલગ દેશોમાંથી આવેલા પ્રવાસી ગુજરાતીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.
આ કાર્યક્રમમાં TV9 ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે, AIANA ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી સુનીલ નાયક, મીસુરી સ્ટેટના ટ્રેસરર શ્રી વિવેક મલેક, હિન્દુધર્મ આચાર્ય સભાના સ્વામી શ્રી પરમાત્માનંદ ઉપસ્થિતિ રહ્યા હતા.