પ્રમુખસ્વામી મહારાજે આદિજાતિના વિકાસ માટે કરેલા ભગીરથ પ્રયાસોને યાદ કરી ભાવાંજલી અર્પણ કરાઈ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘સમરસતા દિવસ’
રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઇ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી જગદીશ વિશ્વકર્મા, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિ
અમદાવાદના ઓગણજ સ્થિત પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ સભાને સંબોધિત કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જ્ઞાન ધર્મ અને સંસ્કૃતિનો મહાકુંભ રચાયો હોય તેવી અનુભૂતિ થઈ છે,
અને ખાતરી છે કે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયેલા સમાજ ઉત્થાનના કાર્યોથી એક નવું વિશ્વ રચાશે. આજના સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઇ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી જગદીશ વિશ્વકર્મા, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હાજર રહ્યા હતા.
સતત એક મહિના સુધી આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘સમરસતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બળવંતસિંહ રાજપુતે પ્રમુખસ્વામી મહારાજ સાથેની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1992ના વર્ષમાં ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ સન્મુખ થયા બાદની એ દિવ્ય અનુભૂતિને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. તેમનુ દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ સદા અન્યની ચિંતામાં લીન રહેતુ એટલું જ નહીં પ્રમુખસ્વામી મહારાજ પરોપકારના મૂર્તિમંત સ્વરૂપ હતા. આ શતાબ્દી મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર માનવજાત પરના ઋણ સ્વીકારનો અનન્ય અવસર છે.
અત્રે નિર્માણ પામેલા વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરી મંત્રીશ્રીઓએ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ અહીં નિર્મિત વિવિધ આકર્ષણ અને નિહાળીને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સમાજસેવા અને આધ્યાત્મિક ઉન્નતિના અભિયાનને બિરદાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં પ્રમુખસ્વામી મહારાજે આદિજાતિના વિકાસ માટે કરેલા ભગીરથ પ્રયાસોને યાદ કરી હાજર સૌએ ભાવાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રી રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી શંભુનાથ ટૂંડિયા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.