રાજકોટઃ બેફામ કારે રિક્ષાને અડફેટે લેતાં એકનું મોત નિપજ્યુ
રાજકોટ, રાજકોટમાં લાઈનક્રોસિંગ કે સામાન્ય બાબતોનું સીસીટીવીથી મોનિટરિંગ કરીને દંડ વસૂલીમાં ઉસ્તાદ ટ્રાફિક પોલીસ બેફામ દોડતા અને છાશવારે જીવલેણ અકસ્માતો સર્જતા વાહનોનો ત્રાસ કાબૂમાં લેવા નિષ્ફળ ગઈ છે. શહેરના એસ્ટ્રોન ચોકમાં વહેલી સવારે પાંચેક વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક કારચાલક ઓટો રિક્ષાને ઉલાળીને ભાગી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષાચાલક અને બે મુસાફરને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. સારવાર દરમિયાન આધેડે દમ તોડી દીધો હતો. એસ્ટ્રોન ચોકમાં સવારે અજાણ્યો કાર ચાલક એક રિક્ષાને ઠોકરે ચડાવી ભાગી જતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષાચાલક ગાંધીગ્રામ-૧૧માં રહેતાં દિપકભાઇ પ્રદિપભાઇ શર્મા (ઉ.વ.૨૬), મુસાફર મુળ છોટાઉદેપુરના હાલ પડધરીના ઇશ્વરીયા ગામની મોદી હાઇસ્કૂલમાં માળી તરીકે કામ કરતાં મહેશભાઇ કાળુભાઇ રાઠવા (ઉ.વ.૪૫) અને અન્ય મુસાફર મેટોડા જીઆઇડીસીના ઉપેન્દ્ર બુહારભાઇ જાદવ (ઉ.વ.૨૨)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
સારવાર દરમિયાન છોટાઉદેપુરના મહેશભાઇ રાઠવાએ દમ તોડી દીધો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, દિપકભાઇ શર્મા નાઇટમાં રિક્ષાના ફેરા કરે છે. તેઓ એસટી બસ સ્ટોપથી કેકેવી ચોક તરફ મુસાફરોને લઇને જતાં હતાં ત્યારે એસ્ટ્રોન ચોકમાં કાર ચાલક રિક્ષાને ઉલાળીને ભાગી ગયો હતો.
તે નશાની હાલતમાં હોવાની ચર્ચા થઇ રહી હતી. મુસાફર મહેશભાઇ રાઠવા ઇશ્વરીયાની મોદી સ્કૂલમાં માળી તરીકે કામ કરી ત્યાં ક્વાર્ટરમાં રહેતાં હતાં. હાલમાં વેકેશન કરવા વતન ગયા હતાં. આજે સવારે રાજકોટ પરત આવ્યા ત્યારે બસ પોર્ટ ખાતે ઉતરી કેકેવી ચોક જવા આ રિક્ષામાં બેઠા હતાં. એ સાથે જ અકસ્માત નડતાં કાળ ભેટી ગયો હતો.SS1MS