રાજકોટ: રામનાથ મંદિર જિર્ણોધ્ધાર સાથે વિશાળ પાર્કિંગ-ટેમ્પલ પ્લાઝા લેન્ડ સ્કેપીંગ બનાવાશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગર પાલિકાને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ માટે રૂ. ૧૮૭ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી
રાજકોટ મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખ ઘટકના કામ માટે કરેલી દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીનું અનૂમોદન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે ૧૮૭ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બેય કાંઠે ઝડપી વિકાસને કારણે વિકસ્યું છે. એટલું જ નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પણ પ્રગતિમાં છે.
શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના પશ્ચિમ કિનારે આવેલું અતિ પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૧૧ કિ.મી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી અતિ પ્રાચીન રામનાથ મંદિરના ડેવલપમેન્ટ સાથે સુસંગત કરવાની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આગવી ઓળખ ઘટકના આ કામોને અનુમોદન આપ્યું છે. આના પરિણામે હવે ર૦રર-ર૩ના વર્ષમાં રૂ. ૧૮૭ કરોડ પ્રથમ ફેઇઝમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
રાજકોટ મહાનગરપાલિકા હવે શ્રી રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે
આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવાશે.
મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો ઝડપથી સાકાર થશે.