ડાંગના રવિદાસભાઈ ભોઈ શહેરીજનો માટે બન્યા પરંપરાગત વન ઔષધીય ઉપચારની સાંકળ
(માહિતી) અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ આહાર ઔષધિ વેચાણ અને પ્રદર્શન મેળો યોજાઈ ગયો. આ મેળો પ્રદર્શન કે વેચાણ પૂરતો સીમિત ન હતો; પરંતુ તેના આયોજનથી સમાજની પ્રાચીન પરંપરાઓનો દેશ વિદેશમાં પ્રચાર શક્ય બન્યો. આદિજાતિ લોકોના આહારવિહારથી શહેરી વિસ્તારના લોકો પણ પરિચિત બન્યા. પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી શહેરના લોકોનું સ્વાસ્થ્ય સુધરે તથા આદિજાતિ સમાજને આવા આયોજનથી આર્થિક લાભ પણ થાય તથા તેઓ સન્માનભેર જીવી શકે, તેવું રાજ્ય સરકારનું લક્ષ્ય પુરવાર થતું જાેવા મળ્યું.
ડાંગ જિલ્લાના રવિદાસભાઈ ભોઈ પણ આ મેળામાં સહભાગી થયા હતા. ડાંગ જિલ્લાથી પોતાની પરંપરાગત વન ઔષધી, ઉપચાર, વાત, પિત્ત, કફ, નાડીનું પરીક્ષણ, સુગરની દવા, બ્લડ પ્રેશરની દવા, સંધિવાની દવા, માલિશના તેલ, કબજિયાત માટેની દવા, પેટના દુખાવાની દવા પથરીની દવા, વગેરે વિવિધ પ્રકારની દવાઓ અને ઔષધિઓ સાથે પરંપરાગત આદિવાસી વેચાણ અને પ્રદર્શન મેળામાં સહભાગિતા કરી હતી.
રવિદાસભાઈ અને તેમનો પરિવાર પરંપરાગત રીતે વન ઔષધિનું વેચાણ કરતા આવ્યા છે. રવિદાસભાઈનો પરિવાર ત્રણ પેઢીથી આ કાર્ય સાથે જાેડાયેલો છે. પરંપરાગત રીતે તેમનો પરિવાર ડાંગની પરંપરાગત વન ઔષધિઓ વેચવાનો વ્યવસાય ચલાવી રહ્યો છે. રવિદાસભાઈએ ડાંગમાં બનતી પરંપરાગત વન ઔષધિઓ સાથે શરીર માટે માલિશ તથા સ્ટીમ લેવાની નવી ટેકનીક પણ વિકસાવી છે અને તેનો લાભ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ખૂબ જ ગુણવત્તાસભર અને પ્રાકૃતિક વસ્તુઓથી બનેલી આ દવાઓ આડઅસરહિત અને અસરદારક હોય છે. શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઔષધિઓ મળવી દુર્લભ હોય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં તૈયાર થતી વસ્તુઓ અને ઔષધિઓ થકી તેઓ શહેર અને આદિજાતિ વચ્ચે એક કડી રૂપ બન્યા છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૬થી આદિજાતિ વિસ્તારના લોકોને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેમાં આદિજાતિ વિસ્તારના લોકો પોતાની પરંપરાગત વસ્તુઓ સાથે જાેડાઈને રોજીરોટી મેળવી શકે તથા તેનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરી શકે તેમ તેમને તૈયાર કરવામાં આવે છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ પ્રકારના પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ આહાર વન ઔષધિ વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારના લોકો જે પરંપરાગત વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે જાેડાયેલા છે અથવા જેવો વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવા માંગે છે તેમને ગુજરાત સરકારની આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા તાલીમ પૂરી પાડી તેમને રોજીરોટી પ્રાપ્ત કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે છે.
આયોજિત આદિજાતિ વેચાણ અને પ્રદર્શન મેળામાં સરકારશ્રી દ્વારા પરંપરાગત હસ્તકલાકૃતિ, આહાર તથા વન ઔષધીઓનું લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય પૂરું થાય તથા પ્રદર્શન મેળામાં ભાગ લઈ રહેલા આદિજાતિ વિસ્તારના લોકોને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે પણ એક હેતુ હોય છે.