ફર્સ્ટ એઇડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવાની રેડક્રોસની રાજ્ય વ્યાપી કામગીરી
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય-આપત્તિમાં વલખા નહીં ઉદ્યમ કરવાની તાલીમ આપતી સંસ્થા- રેડ ક્રોસ-હેલ્થ પ્રમોશન કાર્યક્રમો તેમજ કેપેસીટી બિલ્ડીંગ કરીને સૌને સશક્ત કરતી રેડ ક્રોસ
- રાજ્યમાં ૩ લાખથી વધુ લોકોને પ્રાથમિક સારવાર- ફર્સ્ટ એઇડની પ્રમાણિત તાલીમ
- ગામડાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરી ૩૩ જિલ્લાઓમાં સેવા યજ્ઞ
- રેડક્રોસ સાથે ૩૩,૪૬૧ જેટલા લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જોડાયા
રેડ ક્રોસ વિશ્વવ્યાપી માનવતાવાદી સંસ્થા છે. ઈ.સ.૧૮૬૩માં યુદ્ધના સમયે ઘાયલ સૈનિકોને પ્રાથમિક સારવાર મળી શકે તો જીવન ચોક્કસ બચાવી શકાય એવો વિચાર સ્વીસ બિઝનેસમેન સર જીન હેનરી ડ્યુંનાન્ટને યુદ્ધમાં ઘાયલ થયેલ સૈનિકોને જોઈને આવ્યો અને રીતે રેડ ક્રોસની સ્થાપના થઇ હતી.
વિશ્વમાં ૧૯૧ દેશમાં ફેલાયેલી આ સંસ્થા છે. રેડ ક્રોસના મુખ્ય ૨ કાર્યો છે. ૧- જયારે પણ વિશ્વના કોઈ પણ ખૂણે મોટી હોનારત થાય તે સમયે અસરગ્રસ્ત લોકોની મદદ કરવી તેમજ ૨- શાંતિના સમયે જે તે વિસ્તારમાં હેલ્થ પ્રમોશન કાર્યક્રમો કરવા તેમજ કેપેસીટી બિલ્ડ કરવી.
ભારતમાં “ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી એક્ટ- ૧૯૨૦ “ હેઠળ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની રચના કરવામાં આવી જે સરકારશ્રી સાથે રહી અસરગ્રસ્ત વિસ્તારમાં માનવતાના ધોરણે લોકોની સેવા કરે છે.
રેડક્રોસ ગુજરાતની મુખ્ય શાખા અમદાવાદ શહેરમાં આવેલી છે. ગુજરાતમાં હેલ્થ પ્રમોશન કાર્યક્રમો તેમજ કેપેસીટી બિલ્ડીંગના ભાગરૂપે રેડક્રોસે ફર્સ્ટ એઇડ તાલીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવાની મુહીમ ચલાવી છે.
રેડક્રોસ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ જણાવે છે કે, આફત સમયે પ્રથમ મદદ હંમેશા સ્થાનિક લોકો કરતા હોય છે આથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્વયંસેવકો બનાવી તેઓને ઓનલાઈન/ઓફ લાઈન તાલીમ આપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સજ્જ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
અત્યાર સુધીમાં ૩૩,૪૬૧ જેટલા વિવિધ સ્કીલ ધરાવતા ભાઈઓ બહેનો રેડક્રોસ સાથે જોડાયા છે. જેમાં ડોક્ટર, એન્જીનીયર, તરવૈયા, પ્રાથમિક સારવાર જાણકાર, ફાયર સેફ્ટીના જાણકાર, વિવિધ મેડીકલ ફિલ્ડના નિષ્ણાતો તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના લોકો રેડ ક્રોસ ટીમ સાથે જોડાઈ અન્ય લોકોને જાગૃત કરી રહ્યા છે.
વિવિધ કોલેજો, સામાજિક સંસ્થાઓ, અલગ અલગ સોસાયટીઓ/ગામડાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરી ગુજરાત રેડ ક્રોસ ૩૩ જિલ્લાઓમાં આ સેવા યજ્ઞ ગામડાનાં છેવાડાના વિસ્તારમાં પહોંચાડી રહ્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પુરગ્રસ્ત વિસ્તારમાં રેડ ક્રોસની સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક પહોંચી લોકોને કિચન સેટ, તાલપત્રી, હાઇજીન કીટ, ધાબળા, ડોલ, ટોવેલ, મચ્છરદાની વગેરે જેવી અતિ જરૂરી રાહત સામગ્રી પહોંચાડી જન જીવન ફરી પાછું બેઠું થાય તેમાં મદદ કરે છે.
ગુજરાત રેડ ક્રોસની ટીમ મોકડ્રીલ દ્વારા પણ જાગૃતિ કાર્યક્રમ કરી રહી છે. ગુજરત રેડ ક્રોસના જનરલ સેક્રેટરી ડૉ. પ્રકાશ પરમારના માર્ગ દર્શન હેઠળ ઇસરો, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિવિધ યુનિવર્સીટીમાં મોકડ્રીલ આયોજિત કરી આફત સમયે કઈ રીતે પૂર્વ તૈયારી કામ આવે છે તેનું નિદર્શન કરાયું છે.
ગુજરાત રેડક્રોસના ૬૦ જેટલા કુશળ તાલીમકાર NDRFમાંથી એક અઠવાડિયાની એઇડવાન્સ તાલીમ લઇ બીજા સ્વયંસેવકોને તાલીમ આપી રહ્યા છે.
પ્રાથમિક સારવાર- ફર્સ્ટ એઇડની પ્રમાણિત તાલીમ
પ્રાથમિક સારવાર એ અમૂલ્ય માનવજીવન બચાવવા માટેની એક કળા છે. કોઈપણ ઈજા, બીમારી અકસ્માત વેળાએ તાલીમ પામેલા વ્યક્તિ દ્વારા યોગ્ય પ્રાથમિક સારવાર આપવામાં આવે તો અમૂલ્ય માનવ જીવનની હાની ટાળી શકાય છે. ઈજા વધતી અટકાવી શકાય છે અને દર્દીને રાહત મળે છે.
ગુજરાત રેડ કોમ દ્વારા પ્રાથમિક સારવારની પ્રમાણિત તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત રેડ ક્રોસ દ્વારા અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લોકોને પ્રાથમિક સારવારની પ્રમાણિત તાલીમ આપવામાં આવી છે
ફેક્ટરી એક્ટ અનુસાર વિવિધ કંપની, હોટેલ અને ઇન્સ્ટિટ્યુશનમાં પ્રાથમિક સારવારની તાલીમ આવશ્યક છે. આ માટે ગુજરાત રેડ ક્રોસ વિવિધ તાલીમ વર્ગ ચલાવે છે અને વિવિધ કંપનીમાં સ્થળ ઉપર જઈને પ્રાથમિક સારવારની તાલીમ પૂરી પાડે છે.
એક દિવસ મટેની બેઝિક ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ; બે દિવસ માટેની પ્રોફેશનલ ફર્સ્ટ એઇડ ટ્રેનીંગ; ત્રણ દિવસ માટેની એઇડવાન્સ ફાસ્ટ ટ્રેનિંગ; એક દિવસ માટેની બેઝિક લાઈફ સપોર્ટ (BLS) તાલીમ આપવામાં આવે છે.
ગુજરાત રેડક્રોસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪૦૦થી વધુ ફેક્ટરીઓમાં કંપનીઓમાં પ્રાથમિક સારવારની તાલીમ પૂરી પાડવામાં આવી છે. ગુજરાત રેડ ક્રોસનો હેતુ સમાજમાં પ્રાથમિક સારવારના પ્રશિક્ષિતોને વધારવાની હોય ઉત્તમ ગુણવત્તા તાલીમ આપવામાં આવે છે.
કોઈપણ કંપની ફેક્ટરીમાં આ તાલીમ યોજવામાં આવે તો રેડ ક્રોસના તજલ કંપનીમાં જઈને તાલીમ આપે છે. તાલીમ મેળવનાર દરેકને વ્યક્તિગત પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણપત્ર ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ માન્ય છે.
વિવિધ સરકારી નોકરી માટે પ્રાથમિક સારવાર તાલીમનું પ્રમાણ પત્ર આવશ્યક હોય છે, જેમાં રેડ ક્રોસ દ્વારા મેળવેલ તાલીમ માન્ય ગણવામાં આવે છે. GSRTCમાં કંડકટરની નોકરી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રાથમિક સારવારનું પ્રમાણપત્ર ફરજિયાત હોય છે. આ માટે ગુજરાત રેડક્રોસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલીમ આપવામાં આવી રહી છે
તાલીમની જરૂરિયાત ધરાવતા લોકોએ રેડ ક્રોસ રાજ્ય શાખાનો સંપર્ક કરવો અથવા હેલ્પલાઈન નંબર 9425305011/9429898654 પર સંપર્ક કરી શકાશે. –ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ