ર્નિમલા સીતારમણનું આ બજેટ સર્વ સમાવેશક-નવીન છે : મોદી
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. દેશની નવી સંસદમાં નાણામંત્રીએ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે નાણામંત્રી ર્નિમલા સીતારમણનું આ બજેટ સર્વસમાવેશક અને નવીન છે.
તેમજ આ બજેટ વિકસિત ભારતના ચારેય સ્તંભો યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો તમામને સશક્ત બનાવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ દેશના નિર્માણનું બજેટ છે અને ‘હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
વડાપ્રધાન મોદીએ યુવાનોની વાત કરતા કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજના બજેટમાં દેશમાં સંશોધન અને ઈનોવેશનને મજબૂત કરવા ફંડ બનાવવા માટે ૧ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં મૂડી ખર્ચમાં ૧૧,૧૧,૧૧૧ કરોડ રૂપિયાનો ઐતિહાસિક વધારો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રૂફટોપ સોલાર અભિયાનમાં ૧ કરોડ પરિવારોને મફત વીજળી મળશે.
સરકારને વધારાની વીજળી વેચીને લોકો વાર્ષિક ૧૫-૨૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શક્શે. આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું કે આ બજેટ ૨૦૪૭ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે.
ર્નિમલા સીતારમણે એક કલાક કરતાં ઓછા સમયમાં વચગાળાનું બજેટ રજૂ કરી દીધુ હતું. નાણામંત્રીએ તેમના ભાષણમાં સરકારની વિવિધ યોજનાઓ, મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ અને પ્રવાસન સહિત અન્ય બાબતો વિશે વાત કરી હતી.
આજે બજેટ રજૂ કરતાની સાથે જ ર્નિમલા સીતારમણે સતત ૬ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આમ કરનાર તેઓ દેશના બીજા નાણામંત્રી બન્યા છે. આ પહેલા આ રેકોર્ડ માત્ર પૂર્વ પીએમ મોરારજી દેસાઈના નામે હતો. SS2SS