મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરપકડ
(એજન્સી)મુંબઈ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરી છે. તેની છત્તીસગઢથી ધરકપડ કરવામાં આવી છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા ધરપકડ પહેલા આગોતરા જામીન માટેની તેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા છત્તીસગઢમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ હાલમાં જ આ મામલે ખાનની પૂછપરછ કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ વિવાદાસ્પદ મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોટરો અને રાજ્યની કેટલીક નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓ વચ્ચેના કથિત ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર આ કૌભાંડ લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું છે.
પોલીસે કહ્યું કે ખાન અને અન્ય ૩૧ વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ટેÂક્નકલ ડિવાઇસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.
સાહિલે દાવો કર્યો હતો કે તેનો કોન્ટ્રાક્ટ ૨૪ મહિના માટે હતો, જેમાં તેના સોશિયલ મીડિયા પર પ્રમોશનલ વીડિયો પોસ્ટ કરવા માટે ૩ લાખ રૂપિયાની માસિક ચુકવણી હતી. તેમ છતાં, કોર્ટે ગેરકાયદેસર કામગીરીમાં તેની સીધી સંડોવણી દર્શાવીને તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
તેવામાં અધિકારીઓએ નોંધ્યું કે ફિટનેસ એક્સપર્ટ અને યુટ્યુબર તરીકે સાહિલ ખાને કથિત રીતે એપને પ્રમોટ કરવા અને વધુ લોકોને તેનો ઉપયોગ કરવા લલચાવવાના હેતુથી સેલિબ્રિટી સભાનું આયોજન કર્યું હતું.