સાવરકુંડલામાં નાના મોટા ૩૬ મંદિરને દબાણ ગણી નોટિસ અપાતા ઉગ્ર વિરોધ
હિન્દુ સમાજમાં રોષઃ વેપારીઓએ બે કલાક બંધ પાળ્યો, નિર્ણય બદલાશે નહીં તો આંદોલનની ચીમકી
(એજન્સી)સાવરકુંડલા, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. શહેરમાં તંત્ર દ્વારા ૩૬ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી-દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાનોનો સમાવેશ થાય છે. આ નોટિસનો હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
જેમાં હિન્દુ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માગણી કરી હતી. સંતો, મહેતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જે મંદિરો હટાવવાની વાત છે તેમાં હનુમાનજી મંદિર દેવળા ગેઈટ, બટુક હનુમાન મહાદેવજીનું મંદિર હોથીભાઈની શેરી, મહાદેવજીનું મંદિર, મેઈન બજાર, હનુમાનજીનું મંદિર, હાટકેશ્વર મંદિર મણિભાઈ ચોક, મહાદેવજીનું મંદિર નદી કાંઠે, રામદેવજી મંદિર અમરેલી રોડ, ચોટલીયા પરિવારના સુરાપુરા અમરેલી રોડ, બજરંગદાસ બાપાની મઢુલી, માતાજીનું મંદિર, ચેતન હનુમાનજીનું મંદિર કુંડલા પ્રેસ પાસે, શક્તિ માતાજીનું મંદિર જનતા બાગ સામે વગેરે મોટા ભાગના નાના મોટા મંદિરનો સમાવેશ થાય છે.
તંત્રના વલણ સામે સમગ્ર હિન્દુ સમાજના વેપારીઓ બે કલાક ધંધા રોજગાર બંધ રાખી વિરોધમાં અને આવેદન આપતી વેળાએ જોડાયા હતા. તમામ લોકોએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, નોટિસથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ લાગી છે. જો ર૪ કલાકમાં આ અંગે ફેરનિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, આવા મંદિરો વર્ષો જૂના છે.
નાના એવા ધાર્મિક સ્થાને ટ્રાફિકને નડતરૂપ પણ નથી. રસ્તામાં ત્રણ મીટર કરતા પણ ઓછી જગ્યામાં આવેલા છે. વળી ધાર્મિક સ્થાનો સામે કોઈ કાર્યવાહી હાથ ન ધરવાની સૂચના હોવા છતાં જે મંદિરોનું અÂસ્તત્વ વર્ષો જૂનું છે તેને નોટિસ આપવી તદ્દન ગેરકાયદેસર અને એક તરફી કાર્યવાહી સમાન છે. આ પ્રકારની કાર્યવાહીથી શહેરના હિન્દુ સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.
જો આ કાર્યવાહી તાત્કાલિક અટકાવામાં નહીં આવે તો શહેર અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે તથા સમસ્ત હિન્દુ સમાજને ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી આપી ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તેવી અપીલ તંત્રને કરવામાં આવી છે. હિન્દુ સમાજની આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર સમાન મંદિરો હટાવવાની વાતથી સમગ્ર સમાજમાં ઉગ્ર અસંતોષ જોવા મળે છે.