નેપાળે નકશામાં લિપુલેખ-કાલાપાનીનો પાઠ સ્કૂલમાં પુસ્તકમાં ઉમેરી દીધો
લિપુલેખ-કાલાપાનીનો પાઠ સ્કૂલમાં પુસ્તકમાં ઉમેરી દીધો
નેપાળની ભારત સાથે આડોડાઈ જારી-૬૦ વર્ષ બાદ ભારત નેપાળની આ જમીન પરથી હટવાની જગ્યાએ પોતાના નકશામાં દર્શાવી રહ્યાનો આક્ષેપ કર્યો
કાઠમંડુ, ચીનના ખોળામાં બેઠેલા નેપાળે ભારત સાથે વધુ એક મુદ્દે સંબંધો બગડે તેવું અટકચાળું કર્યું છે. કાલાપાની અને લિપુલેખ જેવા વિસ્તારો પર પોતાનો દાવો કર્યા બાદ નેપાળે નવો નકશો પ્રસિધ્ધ કરીને આ વિસ્તારને પોતાના ગણાવ્યા હતા. હવે નેપાળે આ નકશાને સ્કૂલના પાઠ્ય પુસ્તકમાં પણ સ્થાન આપી દીધું છે.
નેપાળના શિક્ષણ વિભાગે પુસ્તકમાં નેપાળનુ જે ક્ષેત્રફળ દર્શાવ્યું છે તેમાં કાલાપાની અને લિપુલેખના ક્ષેત્રફળનો ઉમેરો કર્યો છે અને પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, લિપુલેખ અને કાલાપાની વિસ્તારની ૫૪૨ ચોરસ કિલોમીટર જમીન પર ભારતે કબ્જો કર્યો છે. જે નેપાળનો વિસ્તાર છે.
તેમાં વધુમાં જણાવાયું છે કે, ૧૯૬૨માં ચીન સાથે યુધ્ધ પૂરુ થયા બાદ ભારતના પીએમ જવાહરલાલ નહેરુએ નેપાળના રાજા મહેન્દ્રને ભારતીય સીમાને થોડા સમય માટે રોકાવા દેવા અનુરોધ કર્યો હતો. ૬૦ વર્ષ બાદ પણ ભારત નેપાળની આ જમીન પરથી હટવાની જગ્યાએ હવે તેને પોતાના નકશામાં દર્શાવી રહ્યુ છે.આ જમીન નેપાળની જે ભારતને કામચલાઉ ધોરણે નેપાળે આપી હતી.ભારત દ્વારા પૂર્વ આયોજન કરીને નેપાળની જમીન પર દબાણ કરવામાં આવી રહ્યુ છે.
નેપાળ તેનાથી પણ આગળ વધીને પોતાની ચલણી નોટો પર પણ નવા નકશાને સ્થાન આપવા માટે ર્નિણય કરી ચુક્યુ છે.નવા સિક્કા પર પણ નવો નકશો જોવા મળશે.આમ નેપાળે પોતાની હરકતોથી સાફ કરી દીધું છે કે, નેપાળને ભારત સાથે સબંધો સુધારવામાં કોઈ રસ નથી.