શાળાઓમાં ૬ મે, ૨૦૨૪થી ઉનાળુ વેકેશન પડે તેવી સંભાવના
રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. ૩થી ૮ની વાર્ષિક પરીક્ષાનો ૪ એપ્રિલથી પ્રારંભ થશે-તમામ શાળાઓ માટે પરીક્ષાનું યુનિફોર્મ ટાઈમ ટેબલ જાહેર
(એજન્સી)ગાંધીનગર, રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ ૩ થી ૮ માટેની દ્વિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ તા. ૪ એપ્રિલથી થશે. આ પરીક્ષા તા. ૪થી ૨૩ એપ્રિલ ૨૦૨૪ સુધી યોજાઈ રહી છે. પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે.
આ અંતર્ગત જો કોઈ જિલ્લા દ્વારા રજા જાહેર કરવામાં આવી હશે તો જે તે જિલ્લાની પરીક્ષા સમયની રજા રદ્ રહેશે. ધો. ૩થી ૪ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે, જ્યારે ધોરણ-૫થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૩થી ૮ની પરીક્ષામાં ધોરણ-૫ અને ૮માં ઈ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ શાળા કક્ષાએ ફરી પરીક્ષા યોજવાની રહેશે.
વિદ્યાર્થીઓ આ કસોટીમાં ગ્રેડમાં વધારો કરી આગલા ધોરણમાં જઈ શકશે, જ્યારે ધો. ૫ અને ૮ સિવાયના કોઈપણ વિદ્યાર્થીને આગલા ધોરણમાં તાં રોકી શકાશે નહીં. આમ ધોરણ-૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીઓએ ફરી એજ ધોરણમાં અભ્યાસ કરવો પડશે, જ્યારે બાલવાટિકાથી ધો. ૨ સુધીમાં અભ્યાસ કરતાં બાળકોનું ઔપચારિક મૂલ્યાંકન કરાશે. જીસીઈઆરટી (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક પરિક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ૬ મે, ૨૦૨૪થી ઉનાળુ વેકેશન પડે તેવી સંભાવના છે. સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે અને ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પડે છે. ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓની આ વાર્ષિક પરીક્ષા જિલ્લા કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.
ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની પરીક્ષા માટે સમાન સમયપત્રકના આધારે પેપર તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ખાનગી પ્રાથમિક શાળાએ સ્વૈÂચ્છક રીતે શાળા કક્ષાએ તૈયાર કરેલા ટાઈમ ટેબલ મુજબ યોજવાની રહેશે.