Western Times News

Gujarati News

આઝાદીની શતાબ્દી વખતે સ્કાઉટ અને ગાઈડ્સના બાળકોએ ‘મહાન ભારત’ બનાવવાનું છે અને જોવાનું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સ્કાઉટ એન્ડ ગાઈડ્સના નિવાસી તાલીમ ભવનનું લોકાર્પણ

દેશ માટે મરવાની તક ન મળી, દેશ માટે જીવી અને દેશને મહાન બનાવતા આપણને કોઈ નહીં રોકી શકે-કોવિડ મહામારીનો સામનો કરવામાં સ્કાઉટ અને ગાઈડ્સે અગ્રેસર ભૂમિકા ભજવી હતી

અમદાવાદ સ્કાઉટ એન્ડ ગાઈડ્સના નિવાસી તાલીમ ભવનનું લોકાર્પણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કોઈપણ દેશને મહાન બનાવવો હોય તો દેશના નાગરિકોએ મહાન બનવું પડે,

અને તે માટે નાગરિકોમાં સેવા, સમર્પણ અને શિસ્તના ભાવનું સિંચન ખૂબ જ જરૂરી છે, રાષ્ટ્રભક્તિ ભક્તિનું સિંચન પણ જરૂરી છે. સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એક વૈશ્વિક આંદોલન છે, જે નાના ભૂલકાંઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોના જીવનમાં આવા આદર્શો પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બનેલું આ સ્કાઉટ એન્ડ ગાઈડનું નિવાસી તાલીમ ભવન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની સંસદ સભ્યની ગ્રાન્ટની સહાયથી બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્કાઉટ એન્ડ ગાઈડ્સ ગુજરાત પ્રદેશના પ્રમુખ અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં આ ભવનનું લોકાર્પણ કર્યું હતું.

આ સંદર્ભે ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રાન્ટ કોઈ સંસદ સભ્યની નહીં પરંતું દેશની-દેશવાસીઓની હોય છે, સંસદ સભ્ય તેને લાભાર્થી સુધી પહોંચાડવાનું માધ્યમ માત્ર છે. સ્કાઉટ એન્ડ ગાઈડ્સ બાળકો, યુવાનોને આદર્શ અને સર્વગુણ સમ્પન્ન નાગરિકમાં તબદિલ કરવાનું કામ કરે છે. સ્કાઉટ એન્ડ ગાઈડની આવી આદર્શ પ્રવૃત્તિઓને અનુમોદન આપવા માટે અમે સૌ અહીં આવ્યા છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશનાં બાળકો યુવાનોને ભારતની આઝાદીના લડવૈયાઓના બલિદાનથી અવગત કરાવવા, ૭૫ વર્ષમાં ભારતે જે ઉપલબ્ધિઓ મેળવી તેનું યશોગાન કરવું અને આવનારાં ૨૫ વર્ષ સુધીમાં દરેક ક્ષેત્રે ભારત સર્વપ્રથમ હોય તે સુનિશ્ચિત કરવું. આવા મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે આપ્યા છે.

આઝાદીના ૭૫ વર્ષોમાં દેશના દરેક નાગરિક સુધી લોકતંત્રનાં મૂલ્યો પ્રસરાવવાનું ભગીરથ કાર્ય કરનારો એકમાત્ર દેશ ભારત છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ ભારત છે, હવે આપણે અમૃતકાતળમાં દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે કર્તવ્યરત બનવાનું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમૃતકાળમાં ભારતને એક વિકસિત અને મહાન રાષ્ટ્ર બનાવવાની જવાબદારી અને બનતું જોવાનું સૌભાગ્ય અહીં બેઠેલા બાળકો -યુવાનોને માથે છે. દેશનો દરેક નાગરિક એક સંકલ્પ કરે તો સમગ્ર દેશ ૧૩૦ કરોડ સંકલ્પ પૂરા કરશે. એક નાનકડો સંકલ્પ પણ વ્યક્તિનું જીવન બદલી નાખતો હોય છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે, કોરોના કાળમાં સ્કાઉટ એન્ડ ગાઈડના યુવાનોએ લોકોની સેવા અને સુશ્રૃષા કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે સ્કાઉટ ગાઈડના સભ્યોને આપદા મિત્ર તરીકે બચાવ અને રાહત કામગીરીમાં જોડવાની પહેલ કરી છે, જેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

આ તકે સ્વાગત ઉદબોધન કરતા ગુજરાત સ્કાઉટ ગાઈડ્સ સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકો-યુવાનોને રાષ્ટ્રભાવના, સેવાભાવના અને પ્રામાણિકતાનું સિંચન કરવા 1960થી ગુજરાતમાં સ્કાઉટ ગાઈડ કાર્યરત છે. વર્ષોથી માતાપિતા તેમનાં સંતાનોને ઉત્સાહભેર સ્કાઉટગાઈડમાં જોડે છે.

તેમણે કહ્યું કે, મુખ્ય મથક અમદાવાદમાં તાલીમભવન અને નિવાસ ભવનની જરૂરિયાત હતી. બે વર્ષ પહેલાં સાંસદ શ્રી અમિતભાઇ શાહ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી આ તાલીમ ભવન અને ગેસ્ટ હાઉસ નિર્મિત કરાયું.

અને આજે તેનું લોકાર્પણ થવું ખૂબ મોટા આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જગાવેલી સ્વચ્છતા અને શિક્ષણકાર્યની જ્યોતમાં સ્કાઉટ ગાઈડ્સ યથાશક્તિ સહયોગ આપતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજના અવસરે મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ધારાસભ્યશ્રી બાબુભાઈ જ. પટેલ, અમિત ઠાકર અને શ્રી હર્ષદ પટેલ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, મનપા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુજય મહેતા સહિત ભારત અને ગુજરાત સ્કાઉટ ગાઈડ્સ સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્કાઉટ્સ અને ગાઈડ્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.