શહેરા તાલુકાના નાડા ગામે કાચા રસ્તાની સમસ્યાને કારણે સ્થાનિક ગ્રામીણો પરેશાન
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના નાડા ગામે રહેણાંક ફળિયાઓને જોડતા કાચા રસ્તાની બિસ્માર હાલતને કારણે સ્થાનિક રહીશોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
એટલુ જ નહી શાળા એ જતા બાળકોએ પણ કિચડમાંથી પસાર થયુ પડે છે. આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા જવાબદારતંત્રને અનેકોવાર રજુઆતો કરવામા આવી છતા પરિણામ શુન્ય જોવા મળી રહ્યુ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાલમા ચોમાસાની સીઝન ચાલી રહી હોવાની પરિસ્થિતી વધુ વિકટ બને છે. કાચો રસ્તો વરસાદી પાણીના કારણે ભારે કાદવ કિચડવાળો બની જાય છે.
શહેરા તાલુકાના જુના નાડા ગામ ખાતે આવેલા પટેલ ફળિયા અને બારીયા ફળિયામા અંદાજીત ૫૦થી વધુ મકાનો આવેલા છે.૩૦૦ લોકોની વસ્તી છે.આ ફળિયાને જોડતો કાચો રસ્તો પાછલા ૨૦ વર્ષથી બિસ્માર હાલતમા હોવાની રજુઆત ગ્રામજનો પાછલા ઘણા સમયથી કરી રહ્યા છે.જુના બસ સ્ટેશનથી શરુ થતો આ રસ્તો બે ફળિયાને જોડે છે.
હાલ આ રસ્તો કાચો હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અહી બાઈકો લઈ પસાર થતી વખતે સ્લીપ ખાવાના પણ બનાવો બન્યા છે.
આ વિસ્તારમા કોઈ વ્યક્તિ બીમાર પડે તો અને તેમને ૧૦૮ દ્વારા લઈ જવાના હોય તો અહી એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. તેને ખાટલામાં ઉચકીને લાવા પડે તેવી સ્થિતી સર્જાય છે. હાલ તો કાદવ કીચડના કારણે રોગચાળો ફાટવાની પણ શક્યતાને નકારી શકાય તેમ નથી.સ્થાનિકો લોકોનુ કહેવુ છે.
બાળકો જ્યારે શાળાએ જાય છે તો તેમને પણ આ કાદવકીચડમાંથી જ પસાર થવુ પડે છે. આ મામલે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને આ મામલે રજુઆત પણ કરી છે.પણ કોઈ પરિણામ જોવા મળતુ નથી. પાછલા ૨૦ વર્ષથી આ રસ્તાની હાલત બિસ્માર છે. આથી સ્થાનિકો આ રસ્તો આરસીસીથી અથવા પાકો ડામર રસ્તો બનાવી આપવામા આવે તેવી માંગ કરી રહ્યા છે.