લદ્દાખ સરહદે સ્થિતિ સામાન્ય નથી, કાશ્મીરમાં પાક.નું આતંકવાદી કાવતરું
શ્રીનગર, સેનાના એક ટોચના કમાન્ડરે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ ‘સામાન્ય નથી’. તેમણે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મે ૨૦૨૦માં પૂર્વ લદ્દાખમાં સાત સ્ટેન્ડઓફ પોઈન્ટ્સમાંથી પાંચ ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ઉકેલાઈ ગયા છે અને બાકી બે જગ્યા માટે હજુ વાતચીત ચાલુ છે.
તેમણે પત્રકારોને કહ્યું કે, ‘ઉત્તરી સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી અથવા હું કહી શકું કે તે સંવેદનશીલ છે.’ સંભવતઃ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સૈન્ય કમાન્ડરે કહ્યું કે, પાડોશી દેશ પુંછ-રાજૌરી વિસ્તારમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો છે. કારણ કે તેને વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યો પસંદ નથી.
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘પુંછ-રાજૌરી ક્ષેત્રમાં લોકોના જીવનમાં સમૃદ્ધિ આવી છે અને જીવનધોરણમાં સુધારો થયો છે. રોકાણ આવતું હતું અને લોકોને નોકરીઓ મળતી હતી. પરંતુ આપણા પાડોશી દેશને આ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પસંદ નથી. એટલા માટે આ વિસ્તારમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ અમે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓ પર અંકુશ આવશે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, આ વિસ્તારમાં પોલીસ, સેના અને સ્થાનિક લોકો વચ્ચે વધુ સારા તાલમેલની જરૂર છે. તેમણે કહ્યું કે, ‘પોલીસ સ્ટેશનોની સંખ્યા વધારવામાં આવી રહી છે અને અમે તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરશે.’ સૈન્ય કમાન્ડરે કહ્યું કે, ૨૦૨૩ને ‘શૂન્ય ઘૂસણખોરી વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે.
કારણ કે કોઈ આતંકવાદી નિયંત્રણ પાર કરીને દેશમાં પ્રવેશવામાં સફળ થયો નથી. તેમણે પત્રકારોને કહ્યું કે, ‘પપરંતુ તમે કહેશો કે ઘણા આતંકવાદીઓ આવી રહ્યા છે.
અમે પગલાં લીધાં છેપ જો તમે ગયા વર્ષે જુઓ તો માર્યા ગયેલા માત્ર ૨૧ આતંકવાદીઓ સ્થાનિક હતા જ્યારે બાકીના ૫૫ વિદેશી હતા. ૨૦૨૨માં ૧૨૧ યુવાનો આતંકવાદી સંગઠનમાં જોડાયા, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા માત્ર ૧૯ થઈ ગઈ.’
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘છેલ્લા ચાર વર્ષોમાં ઘણા બધા ફેરફારો થયા છે અને તમામ ફેરફારો સારા માટે છે, પછી ભલે તે માળખાકીય વિકાસ, પ્રવાસીઓના આગમન અથવા વિદેશી રોકાણો સાથે સંબંધિત હોય.
એકંદરે, તે લોકો માટે સારું છે અને જમ્મુ અને કાશ્મીર રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.’ તેઓ શ્રીનગરમાં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિક દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. સશસ્ત્ર દળો દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરે છે. કારણ કે આ દિવસે ૧૯૫૩માં ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પા ઔપચારિક રીતે નિવૃત્ત થયા હતા.SS1MS