કેટલાક નબળા મગજના લોકો કોઈ પણ બાબતમાં ‘હા’ બોલી બેસે છે અને પછી આઘાપાછા થાય છે,
સર્વ દુઃખહર નન્નો
કેટલાક નબળા મગજના લોકો કોઈ પણ બાબતમાં ‘હા’ બોલી બેસે છે અને પછી આઘાપાછા થાય છે, સલવાય છે; જયારે કેટલાક પ્રબળ મગજના લોકો સંભળાવી દે છે ‘ના.’ મને અનુભવથી સમજાયું છે કે, ‘હા’ શબ્દમાં આદર્શવાદ છે અને ‘ના’ શબ્દમાં યથાર્થવાદ છે.
કોઈ પણ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આ શબ્દો દ્વારા આપી શકાય છે, પણ એ બંનેનો યથાર્થ ઉપયોગ કરતાં શીખી લેવો એમાં જ કુશળતા છે. ‘ના’ પાડ્યા પછી ‘હા’ પાડવાનું કામ સરળ જણાય છે, જયારે ‘હા’ પાડ્યા પછી ‘ના’ પાડવામાં ઉપાધિનો પાર રહેતો નથી. એટલે મને તો નન્નો સર્વદુઃખહર લાગ્યો છે.
પ્રત્યેક બાબતમાં સૌપ્રથમ મુખાર્ગ્રે હું ‘ના’ રાખું છું અને પછી ઠીક લાગે તો જ કમને ‘હા’ બોલું છું. ‘હા’ પાડવાથી સામો રાજી થાય છે અને ‘ના’ પાડવાથી દુઃખી થાય છે. પણ ‘હા’ પાડવાથી આપણે પોતે દુઃખી થઈએ છીએ. જયારે આપણે ‘ના’ પાડીએ છીએ ત્યારે સુખના સામ્રાજ્યના આપણે માલિક બની બેસીએ છીએ.
પરોપકારી માણસે હંમેશાં ‘હા’ પાડવી જોઈએ, કારણ કે પારકાને સુખી કરી જાતે દુઃખી થવાનો એણે ઈજારો લીધો હોય છે, પણ જેને પરોપકાર કરવો નથી પણ માત્ર ઉપકાર જ કરવો છે તેણે તો પોતાની જાણ પર ઉપકાર કરવા નન્નાનો ઉપયોગ એકદમ વધારી દેવો જોઈએ.
મારા એક મિત્ર અત્યંત પરોપકારી છે. એમનાં પત્ની તો, ‘એનો જન્મ જ એટલા માટે થયો છે’ તેવું દૃઢપણે માને છે અને મનાવે છે. એ ‘નહીં’, ‘ના’ શબ્દનો ઉપયોગ જાણતા જ નથી. બધી બાબતમાં એ ‘હા’ એ ‘નહીં.’.
મારે કોર્ટના કામે એક ન્યાયાધીશની ઓળખાણ જરૂરી હતી. મેં પૂછયું ઃ ‘ફલાણા ન્યાયાધીશ તમને ઓળખતા હશે, મારી સાથે આવશો ?’ તે કહે ઃ ‘હા’ આવીશ. કોર્ટમાં જઈને ખુરશીમાં બેઠેલા ન્યાયાધીશને બતાવ્યા તો કહે ઃ ‘હું જેમને ઓળખું છું તેમના જેવા આ લાગે છે ખરા, પરંતુ આ કોઈ ભળતો માણસ જણાય છે.’
સમય બગડ્યો, દ્રવ્યહાનિ થઈ. એના કરતાં એ ભલમાનસાઈના પૂતળાએ પહેલેથી ‘નન્નો’ પરખાવી દીધો હોત તો એમના પિતાશ્રીનું શું જવાનું હતું ? પણ એમણે તો લગભગ પ્રતિજ્ઞા જ લીધી હતી કે, ‘ના’ તો પાડવી જ નહીં, પછી ભલે બીજાને હજારોનું નુકસાન થાય, પણ‘હા’ને વળગી રહેવું. કદાચ ‘ના’ કહેવામાં એમને કાયરતાનાં દર્શન થતાં હશે !
જૂના વખતનો એક કિસ્સો યાદ આવે છે. એક સ્ત્રી પડોશમાં છાશ લેવા ગઈ. વહુએ કહ્યું ઃ ‘છાશ અમારે ત્યાં નથી.’ રસ્તામાં પાછા વળતાં તે વહુની સાસુ સામે મળી અને વાત જાણી તે સ્ત્રીને સાથે લીધી અને ઘેર આવી કહ્યું ઃ ‘છાશ નથી, જાવ.’
આશામાં ને આશામાં પેલી સ્ત્રીના પગ ઝડપથી ઉપડેલા, પણ આ જોરદાર નન્નો સાંભળીને બોલી ઃ ‘મને પહેલેથી કહ્યું હોત તો મારે ધક્કો તો ન થાત.’ સાસુએ ધીરગંભીર વાણીમાં કહ્યું ઃ ‘વહુ શેની ના પાડે ? ના પાડું તો હું પાડું. આજકાલની આવેલી વહુ ના પાડી જ શી રીતે શકે ?’
આ કિસ્સામાં સામાન્ય બુદ્ધિના માણસને સાસુની દાદાગીરીનું દર્શન થશે, પણ વિશેષ સંશોધનથી જાણવા મળ્યું છે કે નન્નો પણ યોગ્ય સ્થાનેથી, અધિકારી, વ્યક્તિના મુખમાંથી જ નીકળવો જોઈએ. તો જ એ શબ્દની શોભા વધે છે. હાલી-મવાલી ‘ના’ પાડી શકે નહીં.
મારા એક મિત્રના મિત્ર એમના મામાની દીકરીના લગ્ન માટે ઉછીના પૈસા ભેગા કરી રહ્યા હતા. એમણે પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યાજે પૈસા ઉપાડેલા અને અન્ય મિત્રો પાસેથી પણ માગીને ભેગા કરવાનું રાખેલું. જેથી મોટી રકમ મામાને આપી શકાય. હું મળ્યો, એટલે બોલાવીને ઘેર લઈ ગયા. કોફી પીવી ન હતી, છતાં પિવડાવી અને ધીમે રહીને કહ્યું ઃ ‘પાંચેક હજાર આપી શકશો ?’ મેં કહ્યું ઃ ‘વિચાર કરીને કહીશ.’
બે દિવસ પછી મને જોયો એટલે રાડ પાડીને બોલાવ્યો અને પૂછ્યું ઃ ‘પછી પેલી બાબતમાં શું વિચાર્યું ?’ મેં ચાલતાં ચાલતાં જવાબ આપ્યો ઃ ‘વિચારવાનું માંડી વાળ્યું છે.’ આમ નન્નો પરખાવી દીધો.
જે મિત્રોના પૈસા એમણે લીધા હતા એમને પાંચ વર્ષ સુધી પરત આપી શક્યા નહોતા, કારણ કે મામા આપે ત્યારે આપેને? જેમણે પૈસા આપેલા તે મને મળતા ત્યારે દુઃખ વ્યકત કરતા. બીચારા જીવો ‘હા’ પાડીને હવે દુઃખમાં ફસાયા હતા. મેં કહ્યું, ત્યારે ‘ના’ પાડી હોત તો ? ખોટું લાગત પણ આમ તમે દુઃખી તો ન થાત ને ?’ ‘ના પાડતાં શીખો.’
જમા-ઉધારના બે છેડા સરખા રાખવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે, ત્યારે ‘ના’ કહેતાં શીખવાની જરૂર છે. ક્યારેક નિર્દય વ્યવહાર કરવામાંથી બચવા આપણે ખોટી સહદયતાથી બચવું પડે છે. ઈચ્છા હોવા છતાં જે કાર્ય આપણે કરી શકવાના નથી, એ માટે આપણે ‘ના’ કહી જ દેવી જોઈએ. ‘ના’ કહેવામાં ઉતાવળ કરવામાં ન આવે તો એનું મહત્વ ચાલ્યું જાય છે. મોં ઉપર ‘હા’નો ભાવ હોય તે પણ ન ચાલે. ના એટલે સ્પષ્ટ ના.
અમારાં માસીસાસુ મરણપથારી પર હતાં અને એમના એકના એક દીકરાને પરણાવવાના કોડ હતા. ‘વહુનું મોં જોઉં, પછી જ મરું, નહીં તો મરું નહીં’ એવો એમનો આગ્રહ હતો. એટલામાં કોઈ જાણભેદુને આ બાબતનો ખ્યાલ આવતાં ‘સાસુ વિનાના ઘરમાં દીકરીને ઠીક ફાવશે અને પોતાનું બોદું કન્યારત્ન ઝટ વળગાડી દેવાશે’ તેવા શુભ આશયથી સાત-આઠ માણસોનું ધાડું લઈને એ કન્યા સહિત આવી પહોંચ્યો.
કન્યા કાળી અને અભણ હતી, પણ ભાવિ સાસુને પગે લાગીને પાસે બેઠી. સાસુની આંખમાં વસી ગઈ અને પોતાને ‘કન્યા પસંદ છે, નક્કી કરી નાખો’ એવો આદેશ આપી દીધો. રૂપાળા અને ભણેલા પુત્રથી એ ક્ષણે ‘ના’ પડાઈ નહીં. લગ્ન થઈ ગયું અને મા મરી ગઈ. દીકરાને થયું ઃ ‘આને હું ક્યાં પરણી બેઠો ?’ કપડાં પહેરતાં આવડે નહીં, બોલતાં આવડે નહીં, કોઈનું સ્વાગત કરતાં ફાવે નહીં અને આળસુની પીર. ‘ના’ પાડી હોત તો માતાને દુઃખ થાત, અને કદાચ આશામાં ને આશામાં વધુ જીવત. પણ આ તો આશા પૂરી થતાં ટપ દઈને મૃત્યુવશ થયાં, મરતાં ગયાં ને મારતાં ગયાં.
યોગ્ય સમયે મન મક્કમ રાખીને ‘ના’ પાડી દેવી જોઈએ, પણ ‘ના’ પાડવાની હિંમત ઉછીની લાવવી ક્યાંથી ? શ્રવણકુમાર માત્ર રામાયણકાળમાં જ જન્મી શકે એવું કશું નથી. આ હળહળતા કળિયુગમાં પણ શ્રવણકુમારનો નમૂનો હાજરાહજૂર છે !
કોઈ વાયુવાનમાં, રેલવેમાં કે બસ કે ગાડામાં મુસાફરી કરતાં મૃત્યુ પામે કે પર્વત ચઢતાં લપસી પડી અવસાન પામે, તેથી આપણે ડરી જઈને નક્કી કરી નાખીએ કે, ‘હું હવેથી વાયુયાન,રેલવે, બસ કે ગાડામાં મુસાફરી નહીં કરું અને પર્વત તો શું પણ નાની ટેકરી પણ નહીં ચઢું.’ આવી ‘ના’નો કશો અર્થ નથી. એમ તો રસ્તો ઓળંગતાં ઘણા મૃત્યુ પામે છે, તેથી ‘રસ્તો નહીં ઓળંગું’? એવી રીતે ‘ના’ નહીં’થી જીવનને ચારે બાજુથી જકડી દેવાનો અર્થ નથી. એથી તો જીવન દરિદ્ર બની જાય.
સંસારમાં એવો કોઈ નથી, જે જીવનનાં આનંદોને, આશ્ચર્યોને, સમૃદ્ધિઓને અને સંભાવનાઓને સમજીને ભોગવ્યા વિના જવા દે. એટલે ‘ના’ પાડવા જેવી લાગે ત્યાં જ ‘ના’ પાડવી. બાકી, જો તમે એમ ‘ના’ પાડવાનો ધંધો જ શરૂ કરો, તો મને ભય છે કે તમે પરણ્યા વિનાના એકલા રહી જશો. એટલે જ જીવનમાં કઈ ક્ષણે ‘ના’ પાડવી તેનો વિવેક કરવો જરૂરી બને છે, તેવી ‘ના’ જ સુખ લાવે છે. દરેક બાબતમાં ‘ઊંહું’ ‘ઊંહું’ કરવાથી બધું ઉધું વળી જાય.
‘હા’ પાડનારા માણસને ઓળખી જઈને લોકો વાતવાતમાં બોલતા હોય છે ઃ ‘એ તો આપણા ગજવામાં છે, એની તો ‘હા’ જ ગણી લો.’ જયારે ‘ના’ પાડનારાઓ માટે લોકો કહે છે ઃ ‘ભલું પૂછવું એનું ! એ શું કરે તે કહેવાય નહીં, સમજાવવા જવું પડશે. મનમાં આવે તો માને, નહીં તો ના ય માને.’ આમ‘ના’ પાડનારાઓનું ગૌરવ ‘હા’ પાડનારાઓ કરતાં વધુ જળવાય છે. ‘ના’ પાડનારાઓથી લોકો ડરે છે અને એના વિરોધનો ખ્યાલ રાખીને લોકો ચાલતા હોય છે. ‘હા’માં શરણાગતિનો ભાવ છે, જયારે ‘ના’માં સ્વતંત્રતાનો રણકો છે.
અમારા એક સગા પાસે ખુલ્લી જમીન પડી હતી. દીકરા નાના હતા અને મકાન બાંધવાની હમણાં જરૂર ન હતી. એ સ્થળે ઝૂંપડી બાંધીને પડી રહેવા એક ગરીબ માણસે આજીજી કરી. સગા દયાનો સાગર હોવાથી એમના Ìદયમાં રામ વસ્યા તે ‘હા’ પાડી બેઠા. એ માણસ વગર ભાડે પંદર વર્ષ રહ્યો અને સગાને મકાન બાંધવાનો સમય થયો ત્યારે બોલ્યો ઃ ‘નહીં નીકળું.’
સગાને હવે આજીજી કરવાનો સમય આવ્યો. રહે તેનું ઘર, ખેડે તેની જમીન અને ઉંચકે તેનું પોટલું એવી સુંદર વ્યવસ્થા ગોઠવાયેલી હોવાથી પાંચેક હજાર રૂપિયા આપ્યા ત્યારે એ માણસ અદૃશ્ય થયો. હવે આ સગાએ પહેલેથી જ ‘ના’ પાડી હોત, તો ધોળે દિવસે લૂંટાવાનો આવો સમય ન આવત. દુનિયા એવી બદલાઈ ગઈ છે કે ‘હા’ પાડતાં ડગલેને પગલે દુઃખના ડુંગર ઉભા થાય છે, જયારે ‘ના’ પાડતાં દુઃખના ઉભા થયેલા ડુંગર જમીનદોસ્ત થવાનો સંભવ છે. ‘ચૂંટણી સભામાં આવશો? અમને હારતોરા પહેરાવી આરતી ઉતારશો ? અમને વોટ આપશો ?’ સુખી થવાનો એક જ સચોટ રસ્તો છે; કહી દો, ‘ના, ના, ના.’
તકલીફો તો ઘણી પડી રહી છે, અને ‘ના’ કહેવું ઘણીવાર ઉચિત અને વિવેકપૂર્ણ પણ હોય છે, પરંતુ પ્રત્યેક બાબતમાં ‘ના’ ની દોરડી પકડીને બેસી રહેવાય નહિ. આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ. આપણએ આપણી જાતને પૂછતા રહેવું જોઈએ કે ક્યાંક આ નન્નો નકારાત્મક વૃત્તિ, ક્ષીણ આત્મવિશ્વાસ, ભય અને દરિદ્રતાનો સૂચક તો નથી ને ? આજે આપણે જે સ્થિતિમાં છીએ, શું કાલે તેનાથી બીજી સ્થિતિમાં નહીં આવી પડીએ? પણ સત્ય વિષે ‘નેતિ, નેતિ’ કહેવાય છે તેમ ‘એક નન્નો સો દુઃખ હરે’ એ કહેવતમાં પણ સત્યનો ધ્વનિ મને તો સંભળાય છે !